શિલ્પ કલાના બેનમૂન સ્થપત્ય સમાન રાણીની વાવને વિશ્વ ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ઐતિહાસિક અને પ્રાચીન રાણીની વાવ તેની કલા કોતરણીને કારણે જગવિખ્યાત બની છે. તેના ગૌરવગાન માટે સરકાર દ્વારા દર વર્ષે તેની વિરાસત ઉજાગર કરવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેને અનુલક્ષીને ચાલુ વર્ષે પણ આ મહોત્સવનું આયોજન 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસ કરવામાં આવ્યું હતું.
સંગીતની સુરાવલીઓ સાથે રાણકીની વાવ મહોત્સવનું સમાપન, કલાકારોએ રાણકી વાવ સૂરથી સજાવી - વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ
પાટણ: વિશ્વ પ્રસિદ્ધ રાણકી વાવ ખાતે બે દિવસીય વિરાસત સંગીત સમારોહનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ મહોત્સવને ખૂલ્લો મુક્યો હતો. ત્યારે બૉલીવુડ અને રાજ્યના નામાંકિત સંગીત કલાકારોએ કલાના કામણ પાથરી ગીત સંગીત સાથે હાસ્યની છોળો ઉડાવી શ્રોતાઓને મંત્ર મુગ્ધ કરી વિરાસત સમારોહનું સમાપન કર્યું હતું.
પ્રથમ દિવસે મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં ગઝલ સમ્રાટ હરિહરન, જીગ્નેશ કવિરાજ અને ગીતા રબારીએ શ્રોતાઓને અભિભૂત કરી સંગીતની સુરાવલી વહાવી હતી. બૉલીવુડ પ્રસિદ્ધ પાશ્વ ગાયિકા રિચા શર્માએ હિન્દી ગીતોથી શ્રોતાઓને ડોળાવ્યા હતા. જ્યારે પદ્મ શ્રી લોક ગાયક ભીખુદાન ગઢવી, બિહારી હેમુ ગઢવી એ ગીત લોકગીતના સુરો રેલાવ્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટી તંત્રનાઅધિકારીઓ, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાણકી વાવ વિરાસત સંગીત સમારોહમાં આવેલ પદ્મ શ્રી ભીખુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પાટણ પણ જૂનાગઢની જેમ ઐતિહાસિક છે. રાણીની વાવ એ પ્રેમનું પ્રતીક છે. એક રાણી એ આ સ્મૃતિ પોતાના પતિની યાદમાં મૂકી છે. તે એક વીરલ ઘટના છે. લોક ગાયિકા સંગીતા લાબડીયાએ પણ આ વિરાસત સમારોહની સરાહના કરી હતી.