- મુખ્યપ્રધાન રૂપાણી પાણી પુરવઠા વિભાગના 197 કરોડના કામોનું કરશે ખાતમુહૂર્ત
- મુખ્યપ્રધાન સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના 25.39 કરોડના કામોનું કરશે લોકાર્પણ
- કાર્યક્રમને અનુલક્ષીને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરી
મુખ્યપ્રધાન રૂપાણી પાટણમાં 223.26 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
પાટણ : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આજે પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર જુથ પાણી પુરવઠા રાધનપુર ગૃપ સુધારણા યોજના નું 9464.92 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેનાથી રાધનપુર તાલુકાના 51 ગામ અને સાંતલપુર તાલુકાના 14 ગામોને લાભ મળશે. આ ઉપરાંત હારિજ અને રાધનપુર ખાતે તૈયાર કરવામાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. પાટણ ખાતે રૂપિયા 25.39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવીન 2 સમરસ છાત્રાલયોનું લોકાર્પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે કરાશે.
સામાજિક અંતર જળવાય તે રીતે ખુરશીઓની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ
પાટણ ખાતે યોજાનારા આ કાર્યક્રમમાં સરકારની કોરોના ગાઇડલાઇન્સનું સંપૂર્ણપણે પાલન થાય અને સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે પ્રગતિ મેદાનમા વિશાળ મંડપ બાંધવામાં આવ્યો છે. સ્ટેજ પર તથા મંડપમાં સામાજિક અંતર જળવાય તે રીતે ખુરશીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તેમજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓએ પ્રગતિ મેદાન ખાતે આવી સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ જવાબદાર અધિકારીઓને આપી હતી.
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ચૂસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત
પાટણ ખાતે યોજાનારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યક્રમને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યક્રમ સ્થળ, હેલીપેડ તેમજ શહેરના વિવિધ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો