પાટણઃ જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં દર વર્ષે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો કરી ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી કરે છે.
પાટણમાં સેવાકીય પ્રવૃત્તિ કરી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી કરાઈ
ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજીના જન્મદિવસ નિમિત્તે પાટણ શહેર ભાજપ દ્વારા મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોને પૌષ્ટિક આહાર આપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને પાટણ શહેર ભાજપ દ્વારા સૌપ્રથમ વોર્ડ નંબર 1માં રહેતા શ્રમીકોને પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ અને પક્ષના નેતા મનોજ પટેલ દ્વારા માસ્ક વિતરણ કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મનરેગા યોજના હેઠળ અનાવાડા ગામની સીમમાં ખોદકામ કરી રહેલા શ્રમિકોને પૌષ્ટિક આહારની કીટ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ તેમજ ભાજપના આગેવાનોના હસ્તે આપવામાં આવી હતી.
આ ઉપરાંત કોરોના મહામારીમાં શ્રમિકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે હોમિયોપેથીક દવા અને આયુર્વેદ ઉકાળાના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, આમ પાટણમાં સેવાકીય પ્રવૃત્તિ કરી ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના જન્મદિવસની ઉજવણી પાટણ શહેર ભાજપ દ્વારા કરવામાં આવી હતી.