પાટણઃ શહેરમાં ભારે વરસાદના પગલે એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું, જેથી આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલા મારફતિયા પાડામા મકાન ધરાવતા અને હાલમાં ધંધા અર્થે સુરતમાં સ્થાયી થયેલા અમિત શાહનું ત્રણ માળનું મકાન છેલ્લા 30 વર્ષથી બંધ હાલતમાં છે.
પાટણમાં વરસાદને પગલે ત્રણ માળનું મકાન ધરાશાયી
પાટણમાં સતત પડી રહેલા ભારે વરસાદને પગલે શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલા મારફતિયાના પાડામાં એક ત્રણ માળનું મકાન ધરાશાયી થયું હતું, જેથી આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. જો કે, મકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.
આ જર્જરિત મકાનને ઉતારી પાડવા મહોલ્લાના સ્થાનિક રહીશોએ મકાનમાલિકને મૌખિક અને લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી હતી. તેમ છતાં મકાન માલિક દ્વારા આ મકાન ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, જેથી ભયજનક પરિસ્થિતિમાં ઊભેલું આ જર્જરિત મકાન ભારે વરસાદને પગલે ગુરૂવારની રાત્રીના સમયે એકાએક ધરાશાયી થયું હતું.
આ મકાન ધરાશાયી થતા મહોલ્લાના રહીશો જાગી ઉઠ્યા હતા અને મકાનની બાજુમાં રહેતા પરિવારને સ્થાનિક રહીશોએ જીવના જોખમે બહાર કાઢ્યા હતા. જો કે, મોડી રાત્રે મકાન ધરાશાયી થયું હોવાના કારણે મોટી જાનહાનિ ટળી હતી.