પાટણ: ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ પાટણની 2 દિવસીય મુલાકાતે છે. ત્યારે શુક્રવારે ભાજપ પ્રદેશ અધ્યક્ષે વિશ્વ ફલક પર ચમકેલી અદભુત કલા કોતરણી વાળી પાટણની ઐતિહાસિક રાણીકી વાવની મુલાકાત લીધી હતી. બારીકાઈથી અહીંની કલા કોતરણી સાથેની શિલ્પકલા નિહાળી સી. આર. પાટીલ અભિભૂત બન્યા હતા.
પ્રદેશ ભાજપ અધ્યક્ષે ઐતિહાસિક રાણકી વાવ નિહાળી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલે શુક્રવાર સવારે ખુશનુમા વાતાવરણ વચ્ચે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલી રાણીકી વાવની મુલાકાત લીધી હતી અને તેના શિલ્પસ્થાપત્ય અને બારીકાઈથી નિહાળ્યા હતા. આ સાથે સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક વારસો આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. જેના થકી વિશ્વમાં ભારત અને ગુજરાતનું નામ ગુંજતું થયું છે. ગુજરાતનો વિકાસ આજે પણ દેશમાં મોખરે છે. આ પ્રસંગે ભીખુ દલસાણીયા, ગોરધન ઝડફિયા, કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, પાટણ સાંસદ ભરતસિંહ ડાભી, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ, જિલ્લા પ્રભારી મયંક નાયક સહિતના આગેવાનો તેમની સાથે રહ્યા હતા.
રાણકી વાવનો ઇતિહાસ
અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જૂનાગઢના ચુડાસમા વંશના રાજા રા ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી, પરંતુ 20મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. 1968માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી.
રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે 7 માળ ઊંડી છે. આ વાવ જયા પ્રકારની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ છે. વાવમાં એક નાનો દરવાજો છે ,જે સિદ્ધપુર તરફ જતાં 30 કિલોમીટર લાંબા એક બોગદામાં ખુલે છે. હાલ આ પ્રવેશદ્વાર કાદવ અને પથ્થરોથી ભરાઈ ગયેલું છે. આ માર્ગ સંકટ સમયે રાજા અને રાજપરિવારને ભાગવા માટે બનાવવામાં આવ્યો હોવાની માન્યતા છે.