ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: પાટણની 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા - પાટણ સમાચાર

પાટણ જિલ્લાની 9 તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની પ્રથમ અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે આગામી સમયમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. જેના અનુસંધાને આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરિક્ષકો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખના દાવેદાર ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

પાટણની 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયા
પાટણની 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયા

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 1:38 PM IST

પાટણની 9 તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખના દાવેદારો માટે ભાજપ દ્વારા સેન્સ લેવાયા

પાટણ: જિલ્લાની 9 તાલુકા પંચાયત જેવી કે પાટણ, ચાણસ્મા, હારીજ, સમી,શંખેશ્વર, સિધ્ધપુર,સરસ્વતી, રાધનપુર સાંતલપુર તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકા તથા પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની પ્રથમ અઢી વર્ષ માટેની સમય મર્યાદા આગામી સમયમાં પૂર્ણ થવાની છે. બીજા અઢી વર્ષના સમયગાળા માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિવિધ કેટેગરીની પ્રમુખ પદની ચૂંટણી માટે ભાજપ પક્ષના હોદ્દેદારોમાં પ્રમુખ પદનો હોદ્દો મેળવવા અત્યારથી જ હોડ લાગી છે. જેને લઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા પક્ષના વરિષ્ઠ આગેવાનની નિમણૂક કરી સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મંતવ્યો રજૂ કર્યા:જેને અનુલક્ષી આજે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ અને ઉપ-પ્રમુખ પદના દાવેદાર,સંગઠન માળખાના હોદ્દેદારો અને જે તે દાવેદારોનાં સમર્થકોને પ્રદેશ નિરીક્ષકોએ સાંભળ્યા હતા. સેન્સ લેવાની આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, અરવલ્લી જિલ્લાના પ્રભારી રાજુભાઈ શુક્લ અને ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજે પ્રથમ તબક્કામાં 9 તાલુકા પંચાયત માટે પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારી કરનાર ઉમેદવારોના સેન્સ લીધા હતા. જેમાં મોટી સંખ્યામાં અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

પદ માટે પસંદગીનો કળશ:પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા આટોપી જે તે દાવેદારોનાં મળેલા મંતવ્યો પ્રદેશ ભાજપમાં રજૂ કરશે. પ્રદેશ ભાજપ દ્વારા જે તે એક દાવેદારના નામ ઉપર મંજૂરીની મહોર મારી તેના નામનું મેન્ડેડ બંધ કવરમાં ચૂંટણીના દિવસે આપશે. ત્યારે જિલ્લાની 9 તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે પસંદગીનો કળશ કોની ઉપર ઢોળાશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.

  1. Patan News: પાટણના ખેડૂતોની વ્હારે આવ્યા ધારાસભ્ય, ઉત્તર ગુજરાતની સુકી કેનાલોમાં પાણી છોડવા કરી માંગ
  2. Patan News : કમોસમી વરસાદથી નુકસાનગ્રસ્ત ખેતરોની કલેકટરે મુલાકાત લીધી, નુકસાનીનો સર્વે માટે આટલી ટીમની રચના

ABOUT THE AUTHOR

...view details