સિદ્ધપુર: સિદ્ધપુર પોલીસે અપહરણ અને ખંડણીનો કારસો નિષ્ફળ બનાવ્યો છે. સિદ્ધપુર હાઇવે ઉપરની એક હોટલમાં રોકાયેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન અને ફલેટનાં લે-વેચનું કામ કરતાં એક વેપારી વ્યક્તિનો પીછો કરી તેનું અપહરણ કરીને તેની પાસેથી ખંડણી માંગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઉત્કૃષ્ટ કામગીરી કરીને ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
શું બન્યો બનાવ?: ઊંઝા તાલુકાના ભાખર ગામના મૂળ વતની અને છેલ્લા કેટલાક સમયથી મુંબઈ સ્થાયી બની જમીન લે-વેચનો વ્યવસાય કરતા અસલમિયા હારૂન મિયા સૈયદ ભાખર ગામે આવેલ વડીલોપારજીત મિલકતના વેચાણ અર્થે આવ્યા હતા અને સિદ્ધપુર ખાતે એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. દરમિયાન કેટલાક ઈસમો દ્વારા અપહરણ કરી ખંડણી માગવાના ઇરાદે તેઓની રેકી કરી ગાડીનો પીછો કરવામાં આવતા તેઓ ડરી ગયા હતા અને અધ વચ્ચેથી હોટલ પરત આવી ગયા હતા. સમગ્ર ઘટનાક્રમથી હોટલના મેનેજર અને કર્મચારીઓને વાકેફ કરતા હોટલના મેનેજરે સિદ્ધપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. તા. 17 મીનાં રોજ વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાનાં સુમારે એક બ્લ્યુ કલરની સ્વિફ્ટ કારમાં ત્રણેક વ્યક્તિઓ પ્લેનેટ હોટલ ખાતે આવીને અસલમમીયાંની ગાડી બલેનો પાસે ઉભા રહ્યા હતા અને તેમની ગાડીનાં દરવાજા ખોલતાં હોવાનાં અને જોવાનાં પ્રયત્નો કરતાં હોવાથી હોટલનાં ગાર્ડ જોઇ જતાં આ ત્રણે વ્યક્તિ ઊંઝા તરફ ભાગ્યા હતા ને હોટલ ખાતેનાં કોઇ માણસે સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે ફોન કરતાં પોલીસે આ ગાડી સાથે ત્રણ શખ્સોને પકડી પાડીને સિધ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતા.
આ પણ વાંચોBeware of usurer: વધુ એક વ્યાજખોરની ધરપકડ, ફરિયાદી પાસે 25 હજારની સામે પડાવ્યા 2 લાખ