પાટણ: પાટણના રુક્ષ્મણી વિદ્યાલય હાજીપુર ઍથ્લીટ્સ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી ઠાકોર નિરમાએ પૂના ખાતે યોજાયેલ 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં સમગ્ર વિદેશી ભારતીય મહિલાઓમાં ચોથો ક્રમાંક અને ભારતીય મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. ડિસેમ્બર 2019માં પૂના ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ મેરેથોનમાં યુથોપીયા, કેન્યા, ડેનમાર્ક અને ભારત વગેરે દેશોના અંદાજિત 45 મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પાટણ તાલુકાના હાજીપુરના ઠાકોર મંગાજીના પુત્ર ઠાકોર ભરતજીની દીકરી નિરમાએ ભાગ લીધો હતો. તેમણે 42 કિલો મીટરની દોડ 3 કલાક અને 9 મિનિટમાં પૂરી કરી સમગ્ર વિદેશી ભારતીય મહિલાઓમાં ચોથો ક્રમાંક અને ભારતીય મહિલાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
નિરમાએ ગત 13 ઓગસ્ટ 2020ના રોજ રૂપિયા 1,75,000 રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવી હતી. નિરમા ઠાકોરે આ ઉપરાંત વેસ્ટ ઝોન ઓફ ઈન્ડિયામાં 1 ગોલ્ડ અને 1 બ્રોન્ઝ, રાજ્યકક્ષાએ કુલ 7 ગોલ્ડ ,6 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ, ઇન્ટર કોલેજ કક્ષાએ 7 ગોલ્ડ મળી કુલ 28 મેડલ મેળવ્યા છે. તેમજ ગુજરાતમાં યોજાતી સાબરમતી મેરેથોન, રાજકોટ મેરેથોન, કેડી મેરેથોન, એસબીઆઈ મેરેથોન પણ જીત મેળવી છે.
- રમતવીર નિરમાએ પાટણનું નામ રોશન કર્યું.
- 42 કિલોમીટરની ઇન્ટરનેશનલ મેરેથોનમાં ચોથું સ્થાન મેળવ્યું.
- રમતવીર નિરમાએ ભારતીય મહિલાઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો
ઠાકોર નિરમા છેલ્લા આઠ વર્ષથી તેના કોચ રમેશ રબારી પાસે રુક્ષ્મણી વિદ્યાલય હાજીપુર એથ્લેટીક્સ ટ્રેનિંગ સેન્ટરમાં સખત પ્રેક્ટિસ કરે છે. કોચ રમેશએ નિરમા સિવાય ગામની અન્ય છોકરીઓને વિવિધ રમતો માટેની તાલીમ આપી છે. જેમાં 12 છોકરીઓએ રાજ્ય કક્ષાએ વિવિધ રમતોમાં ભાગ લઇ 25થી વધુ મેડલ મેળવ્યા છે. હાજીપુર ગામની મહિલા ખેલાડીઓએ સાબરમતી મેરેથોન, અદાણી મેરેથોન, કેડી મેરેથોન સહિતની મેરેથોન તેમજ ખેલ મહાકુંભ ભાગ લઇ અનેક નામો મેળવ્યા છે.