પાટણ : ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે. જેમાં ત્રણ રાજ્યમાં ભારતીય જનતા પક્ષને પૂર્ણ બહુમતીથી વિજય મળ્યો છે. પાર્ટીની મોટી જીતને લઇ પાટણ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો અને એકબીજાના મો મીઠા કરાવી ભારત માતાકી જય વંદે માતરમના નારા લગાવ્યાં હતાં.
ભાજપે ભગવો લહેરાવ્યો : તાજેતરમાં રાજસ્થાન મધ્યપ્રદેશ તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા બાદ આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તબક્કાવાર રીતે પરિણામો જાહેર થતાં ગયાં હતાં. તેમાં ક્રમશ ભાજપનો કેસરીયો લહેરાવાની ખાતરી થવા લાગતાં જ પાટણ ભાજપમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. મતગણતરીના અંતે રાજસ્થાન મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમત સાથે વિજય પતાકા લહેરાવતા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે પાટણ જ નહીં સમગ્ર દેશમાં ઠેર ઠેર ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યાં હતાં.