પાટણઃ સમગ્ર દેશમાં લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિને પગલે શ્રમિકોને તેમના વતન સુધી પહોંચાડવા દેશભરમાં શ્રમિક સ્પેશિયલ ટ્રેન શરૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંતર્ગત પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સિદ્ધપુર તાલુકાના ગામોમાં ઈંટભઠ્ઠા પર કામ કરતાં 4,767 શ્રમિક પરિવારોને તેમના વતન ઉત્તરપ્રદેશ મોકલવા માટે વ્યવસ્થા ઉભી કરાઈ હતી.
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 4767 પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા વ્યવસ્થા કરાઈ સિદ્ધપુર તાલુકાના કાકોશી, કાલેડા, પચકવાડા સહિત 8 જેટલા ગામોમાં આવેલા ઈંટભઠ્ઠાઓ પર કામ કરતાં 4,767 પરપ્રાંતિય શ્રમિકોને તેમના માદરેવતન પહોંચાડવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ST બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેના પ્રથમ તબક્કામાં 1,195 શ્રમિકોને બસ મારફતે પાલનપુર લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા તેમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવશે. આગામી દિવસોમાં વધુ ત્રણ તબક્કા વાર બાકી રહેલા પરપ્રાંતિય શ્રમિકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 4767 પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવા વ્યવસ્થા કરાઈ આ તમામ શ્રમિકોનું મેડિકલ ચેક-અપ કરી તેમને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. બસ પાલનપુર પહોંચે ત્યાં સુધી તેમના નાસ્તા-પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઈંટભઠ્ઠાના માલિકો દ્વારા તેમને પૂરૂં વેતન પણ ચૂકવી આપવામાં આવ્યું છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા ગોઠવી તમામ શ્રમિકોને બસ મારફતે પાલનપુર પહોંચાડવામાં આવ્યા. જ્યાંથી ખાસ ટ્રેન દ્વારા તેમને ઉત્તર પ્રદેશના બરેલી ખાતે મોકલી આપવામાં આવશે. સિદ્ધપુર તાલુકાના કાકોશી વિસ્તારના 45થી વધુ ઈંટભઠ્ઠા પર કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક પરિવારોને કુલ 4 તબક્કામાં પાલનપુરથી ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ મોકલી આપવામાં આવશે.