પાટણ: ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે રીયલ ટાઈમ પોલીમરાઈઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટ માટેના ખાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની લૅબોરેટરીમાં કોરોના વાઇરસના ટેસ્ટ સેમ્પલની ઝડપી ચકાસણી શક્ય બની છે. જિલ્લામાંથી લેવામાં આવેલા COVID-19ના ટેસ્ટ સેમ્પલની તપાસણી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતેથી શક્ય બનતાં માત્ર ૬થી ૮ કલાકના ગાળામાં ટેસ્ટનું પરિણામ જાણી શકાશે.
પાટણની ધારપુર હોસ્પિટલને કોવીડ-19 ટેસ્ટ માટે મળી મંજૂરી - corona sample testing in gujarat
નોવેલ કોરોના વાઇરસના ઝડપી સંક્રમણના કારણે વધી રહેલા પોઝિટિવ કેસના નિદાન માટે ICMR દ્વારા પાટણની ધારપુર જનરલ હોસ્પિટલને કોરોનાના ટેસ્ટીંગ માટેની મંજૂરી આપવામાં આવી છે. જિલ્લામાંથી લેવામાં આવતા કોરોનાના ટેસ્ટ સેમ્પલની હવે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે જ તપાસણી શક્ય હોવાથી માત્ર ૬ થી ૮ કલાકમાં ટેસ્ટ સેમ્પલનું પરિણામ મળી શકશે.
અગાઉ આ સેમ્પલ અમદાવાદ ખાતે તપાસણી માટે મોકલવામાં આવતા હતા. જેમાં ૨૪ કલાક કે તેથી વધુ સમય લાગતો હતો. ધારપુર જનરલ હોસ્પિટલના સ્ટાફના ૮ જેટલા લૅબ ટેક્નિશિયનની મદદથી હોસ્પિટલ ખાતે રોજના મહત્તમ ૨૦૦ જેટલા ટેસ્ટ સેમ્પલ તપાસી શકાશે.
ધારપુર જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.યોગેશાનંદ ગોસાઈએ જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાની જનતાને ઝડપી અને શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે તમામ તબીબી સ્ટાફ કટીબદ્ધ છે. ઉત્તર ગુજરાતની એકમાત્ર ધારપુર જનરલ હોસ્પિટલને COVID-19ના ટેસ્ટ સેમ્પલ ચકાસવાની મંજૂરી મળતાં ટૂંકા ગાળામાં પરિણામ મળવાથી ઝડપથી સારવાર શક્ય બનશે.