પાટણઃ વ્યાયામ અને કલાશિક્ષક સંઘ દ્વારા ચીટનીશ ટુ કલેકટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ 2009થી વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી, છેલ્લા 10 વર્ષથી આવા તાલીમબદ્ધ શિક્ષિત બેરોજગારોની ભરતી કરવામાં ન આવતા તેઓની હાલત કફોડી બની છે.
વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની નિમણૂક કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું - ગુજરાત રાજ્ય
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ અને કલાના વિષયના શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે જિલ્લા વ્યાયમ અને કલા શિક્ષણ સંઘ પાટણ દ્વારા જિલ્લા પ્રશાસને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
સરકાર દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. વધુમાં શિક્ષણ નીતિ અને RTI 2009 મુજબ દરેક શાળાની અંદર વિષયના શિક્ષકોની નિમણૂક કરવાની થાય છે. પરંતુ નવી એજ્યુકેશન પોલિસીમાં આ વિષયને ફરજિયાત સ્થાન આપવામાં આવ્યું છે, છતાં વ્યાયામ અને કલા શિક્ષણ વિષયના શિક્ષિત બેરોજગારોને ન્યાય આપવામાં આવતો નથી.
ગુજરાત રાજ્યમાં પણ અન્ય રાજ્યોની જેમ ધોરણ 1થી 12માં વ્યાયામ અને સંગીતના વિષયોને ફરજિયાત દાખલ કરવામાં આવે, જેથી આ વિષયમાં તાલીમ પામેલા ઉમેદવારોને રોજગારી મળી રહે તેવી પણ માગ કરવામાં આવી હતી.