- સિદ્ધપુરમાં વધુ એક લૂંટની ઘટના આવી સામે
- ચાર બુકાનીધારી લૂંટારાઓ આગડીયા કર્મીપાસેથી 6.84 લાખની લૂંટ કરી ફરાર
- બે કર્મચારીઓ પૈકી એક ટ્રાફિકમાં અટવાતા આબાદ બચાવ
પાટણ: સિધ્ધપુરના દેથળી ચાર રસ્તા પાસે આજે સવારે કારમાં આવેલા ચાર બુકાનીધારી લૂંટારુઓએ આંગડિયા પેઢીના મેનેજરને આંતરી છરી બતાવી સોના-ચાંદીના દાગીના તથા હીરાના પાર્સલ સાથે કુલ રૂપિયા 6.84 લાખના મુદ્દામાલ ભરેલા થેલાની લૂંટ ચલાવી ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઇ ગયા હતા. લૂંટની આ ઘટના દરમિયાન અન્ય એક આંગડિયા પેઢીના કર્મચારીનો આબાદ બચાવ થયો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, DYSP સોલંકી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ વિવિધ ટીમોને દોડતી કરી નાકાબંધીના આદેશો કર્યા હતાં.
બુકાનીધારીઓ સોનાના દાગીના અને હીરાના પાર્સલનો થેલો લઈ થયા પલાયન
પાટણ જિલ્લાના સિધ્ધપુર ખાતે મારુતી કોમ્પલેક્ષમાં આવેલ પટેલ જયંતિભાઇ સોમાભાઇની આંગડિયા પેઢીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કનુભાઇ સોમાભાઇ પટેલ ગુરુવારે સવારે પોતાના નિયત ક્રમ મુજબ અમદાવાદથી આવતા આંગડિયા પેઢીના પાર્સલ લેવા દેથળી ચાર રસ્તા ઉપર આવ્યા હતા. તેઓની સાથે અન્ય પેઢીના કર્મચારી રાજેન્દ્રસિંહ રાજપુત પણ હતા. અમદાવાદથી પાર્સલ લઇ કાર આવતાં બંનેએ પોતાના પાર્સલ લઇ થેલામાં મુકયા હતા. અને હાઈવે ક્રોસ કરી સામેના છેડે જતા હતા ત્યારે ટ્રાફિક નડતા રાજેન્દ્રસિંહ રાજપુત વચ્ચે અટવાયા હતા. જયારે કનુભાઇ પટેલ સામે છેડે પોતાની એકટીવા પાસે પહોંચી ગયા હતા. જયાં તેઓ થેલો એક્ટીવા પર મુકી રહ્યા હતા. તે સમયે સેન્ટ્રો કારમાં બુકાની બાંધેલા ચાર શખ્સો આવી પહોંચ્યા હતા અને નીચે ઉતરી કનુભાઇ પટેલને ઘેરી લઇ છરી બતાવી થેલો આંચકી લીધો હતો અને ગણતરીની મિનિટોમાં નાસી છુટ્યા હતા.