પાટણ: મોદી સરકારના કેન્દ્રમાં નવ વર્ષ પૂર્ણ થવા પર કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સિદ્ધપુરમાં જાહેર સભામાં કોથળામાં પાંચશેરી ભરી ભરી યુપીએ સરકાર અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યાં હતાં. તેમણે 2024માં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 સીટો પર ભાજપના ઉમેદવારોને વિજેતા બનાવવા અનુરોધ કર્યો હતો.
રાહુલ બાબા કહીને સંબોધન : ભાજપ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં સિદ્ધપુરના ગોવર્ધન પાર્ક ખાતે યોજાયેલી જાહેર જંગી જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અને સહકાર પ્રધાન અમિત શાહે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકારની અનેક સિદ્ધિઓ અને દેશમાં આવેલ પરિવર્તન બાબતે વિગતવાર વાત કરી હતી. ગૃહપ્રધાને તેમના વક્તવ્યમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને રાહુલ બાબા તરીકે ઉલ્લેખીને કોંગ્રેસ તેમજ યુપીએસ સરકાર ઉપર આડકતરા પ્રહાર કરી વડાપ્રધાન મનમોહનસિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસનની સરખામણી કરવા પણ લોકોને જણાવ્યું.
રાજનીતિમાં વિકાસની રાજનીતિને પ્રાધાન્ય આપીને જાતિવાદ સમાપ્ત કરી વિકાસની સરવાણી વહાવી છે. સરકાર નામની કોઈ ચીજ હોય છે તેઓ ગરીબોને પણ હવે અનુભવ થઈ રહ્યો છે. ગરીબોને ઘર ,વીજળી, ગેસના સિલિન્ડર, પાણી, શૌચાલય અને મફત આરોગ્ય સેવા પૂરી પાડી છે. 80 કરોડ ગરીબોને પાંચ કિલો મફત અનાજ વિતરણ કરીને તેમને સન્માનથી જીવવાની તક પૂરી પાડી છે...અમિત શાહ(કેન્દ્રીય ગૃહપ્રધાન)
યુપીએ સરકારમાં ગોટાળા અને ભ્રષ્ટાચાર : તેમણે કહ્યું કે યુપીએ સરકારના 10 વર્ષમાં 12 લાખ કરોડના ગોટાળા અને ભ્રષ્ટાચાર થયા જ્યારે એનડીએ અને ભાજપ તેમજ નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી સરકારના નવ વર્ષમાં વિરોધીઓ પણ ભ્રષ્ટાચારનો એક પણ આરોપ કરી શક્યા નથી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં દેશની તમામ પ્રજાને વિનામૂલ્ય કોરોનાની રસી આપીને સૌને કોરોના સામે સુરક્ષિત કર્યા એટલું જ નહીં યુક્રેન યુદ્ધ વખતે વડાપ્રધાને સતત ચિંતિત રહીને ભારતીયોને સુરક્ષિત રીતે પાછા લાવવાનું કામ કર્યું છે.
મોદી સરકારે આતંકવાદનો સફાયો કર્યો :અગાઉની સરકારમાં પાકિસ્તાનથી આલિયા માલ્યા ને જમાલિયા ઘુસી જતા હતાં તેમજ ઉરી ખાતેના હુમલા બાદ સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને નરેન્દ્ર મોદીએ આતંકવાદનો સફાયો બોલાવી દીધો છે. તેમણે કહ્યું કે રાજકીય ઈચ્છા શક્તિથી આ કામ થઈ રહ્યા છે .દેશની સીમા પર સુરક્ષાની કામગીરી સંભાળી રહેલ સેના અને સીમા સાથે હવે કોઈ છેડછાડ કરી શકશે નહીં એવો તેમણે હૂંકાર કર્યો હતો.
370મી કલમ દૂર કરી : આ ઉપરાંત જણાવ્યું કે રાષ્ટ્રીય કક્ષાએ મહત્વની સમસ્યાઓમાં 370મી કલમ દૂર કરી દેશની અનેક સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું કામ વડાપ્રધાને કર્યું છે. દેશમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરી તેમાં સેંગલને સ્થાપિત કરીને આપણી પરંપરાઓને સ્થાપિત કરવાનું કામ પણ વડાપ્રધાને કર્યું છે.તેમણે કહ્યું કે કોંગ્રેસે રામલલ્લાને તાળામાં પૂરી રાખ્યા હતા પરંતુ આગામી સમયમાં રામ મંદિર તૈયાર થઈ જશે.
વિજયની હેટ્રિક કરવા આહ્વાન : ગૃહપ્રધાને કહ્યું કે દેશમાં નવા યુગના મંડાણ ગુજરાતથી થઈ રહ્યા છે અને ગુજરાત મોડેલએ ભારત મોડેલમાં પરિવર્તિત થઈ રહ્યું છે. તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દસ વર્ષને સક્ષમ ભારતના પ્રતીક તરીકે લેખાવી આગામી લોકસભા ચૂંટણી 2024માં તમામ વિપક્ષોને ભેગા થઈને મેદાનમાં આવવા પણ પડકાર કર્યો હતો. તે સાથે જ આગામી ગુજરાતની તમામ 26 સીટો કમળને આપીને ગુજરાતમાં ભાજપ માટે વિજયની હેટ્રિક કરવા પણ આહ્વાન કર્યું હતું.
- News Delhi: દેશની 'બેહાલ અર્થવ્યવસ્થા' પર સરકારે શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ: કોંગ્રેસ
- Amit Shah Gujarat Visit: અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, રાજકીય બેઠકમાં ભાગ લેશે
- Ahmedabad news: મારા મતવિસ્તારમાં અત્યાર સુધી 16,563 કરોડના કામો થયા- અમિત શાહ