- નગર પાલિકાએ ટોકન દરે શબવાહીની સેવા શરૂ કરી
- કોરોના મહામારીમાં શબવાહિનીનો વધુ ઉપયોગ
- દરેક વખતના ઉપયોગ બાદ શબવાહિનીને કરાય છે સેનેટાઈઝર
પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દર્દીઓને સારવારમાં તેમજ હોસ્પિટલમાંથી મૃતદેહો લઈ જવામાં એમ્બ્યુલન્સ સતત દોડતી રહેતા શહેરની તમામ શબવાહિનીઓ હાલમાં વેટિંગમાં જોવા મળી રહી છે. ત્યારે પરિવારો દ્વારા કોરોનાથી કે કુદરતી રીતે થયેલા મૃતકના મૃતદેહને સ્મશાનભૂમિ સુધી લઈ જવા માટે મોટી કિંમત આપી ખાનગી વાહનો લેવાની ફરજ પડી રહી છે. જેથી આ મહામારીમાં મદદરૂપ થવાના આશયથી પાટણ નગરપાલિકા દ્વારા મૃતકોને સ્મશાનભૂમિમાં લઈ જવા માટે એક રૂપિયાના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ધારપુર સિવિલ હોસ્પિટલમાં સિદ્ધહેમ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ શરૂ
20 એપ્રિલના રોજ એક જ દિવસમાં 10 મૃતકોને સ્મશાનગૃહમાં લઈ જવાયા
એપ્રિલ માસમા સબ વાહીની દ્વારા 108 જેટલા મૃતદેહોને સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવ્યાં છે. 20 એપ્રિલના રોજ એક દિવસમાં 10 વખત શબવાહિનીને મૃતકોની અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવી હતી. નગરપાલિકાના વાહન શાખાના કર્મચારીએ જણાવ્યું હતું કે, મૃતકોને સ્મશાનભૂમિ સુધી પહોંચાડવા માટે પાલિકા દ્વારા શબવાહિની સેવા ઘણા સમયથી શરૂ કરાઈ છે, પરંતુ તેનો મહત્તમ ઉપયોગ કોરોના મહામારીમાં થયો છે. મૃતકના કોઈપણ સગા નગરપાલિકા ખાતે આવીને નામ નોંધાવી શકે છે. શબવાહીનીના દરેક વખતના ઉપયોગ બાદ તેને પાણીથી ધોઈને સેનેટાઈઝર પણ કરવામાં આવે છે.