પાટણઃ લોકડાઉનની સૌથી વધુ અસર શહેરના નાના લારીગલ્લાઓ તેમજ ખાણીપીણી અને નાસ્તાના વ્યવસાયો સાથે જોડાયેલા ધંધાર્થીઓ પર પડી હતી. લોકડાઉન 4 માં શરતોને આધીન શહેરમાં મોટાભાગના બજારો મર્યાદિત સમય માટે ખુલી ગયા છે.
પાટણમાં અઢી મહિના બાદ નાસ્તાની લારીઓ શરૂ થઈ
પાટણ શહેરમાં ભાજપના આગેવાનોની સફળ રજૂઆત બાદ જિલ્લા કલેકટરે અઢી માસ બાદ નાસ્તા, ઠંડપીણાં, બરફગોળા, સરબતની લારીઓના ધંધાર્થીઓને સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી શરતોને આધીન ધંધો કરવાની છૂટ આપતા શહેરની બજારોમાં નાસ્તાની લારીઓ પર શહેરીજનો ઉમટ્યા હતા.
નાના વેપારીઓની આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, પક્ષના નેતા મનોજ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, સહિતના ભાજપના અગ્રણીઓએ શહેરમાં ખાણી પીણી તેમજ ઠંડાપીણાં અને નાસ્તાની લારીઓ વાળાઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે તેવી જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.
કલેકટર આનંદ પટેલે આગેવાનોની રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. અને શહેરના વિવિધ બજારોમાં ઉભી રહેતી ખાણીપીણી તેમજ નાસ્તાની લારીવાળાઓને શરતોને આધીન છુટછાટ આપી છે. જેમાં ખાણીપીણીની લારીવાળાઓ સવારે 8 થી સાંજના 4 વાગ્યા સુધી પોતાનો ધંધો રોજગાર કરી શકશે. તેમજ નાસ્તો લેવા આવતા ગ્રાહકોને દુકાન કે લારીની આજુબાજુ ન બેસાડતા તેઓને પાર્સલ આપીને રવાના કરવા તેમજ દરેક વેપારીએ માસ્ક, ગ્લોઝ સહિત સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની શરતો નક્કી કરવામાં આવી છે.
60 દિવસના લાંબા સમયગાળા બાદ શહેરમાં ખાણીપીણીની લારીવાળાઓને ધંધો કરવાની પરવાનગી આપતા શહેરના દોશીવટ બજાર, બગવાડા દરવાજા સહિતના વિસ્તારોમાં ઉભી રહેતી નાસ્તાની લારીઓ પર ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં ફરી એકવાર ખાણીપીણી તેમજ નાસ્તાની લારીઓવાળાઓના ધંધા રોજગાર શરૂ થતાં નાના વ્યવસાયકારોમાં ખુશી જોવા મળી હતી.