- કોરોનાની ત્રીજી લહેર માટે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું
- ધારપુર હોસ્પિટલમાં નવા 300 બેડ વધારવા સરકારમાં દરખાસ્ત
- હાલમાં ધારપુર હોસ્પિટલમાં 350 બેડ કાર્યરત
પાટણઃ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્રણ મહિના સુધી સંક્રમણ બાદ છેલ્લા એક સપ્તાહથી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. હાલમાં ધારપુર હોસ્પિટલમાં 350 બેડની ક્ષમતા સામે કોરોના ગ્રસ્ત 98 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 38 દર્દીઓ બાયપેપ પર છે. જ્યારે હોસ્પિટલમાં 250 બેડ ખાલી છે. હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ધારપુર હોસ્પિટલમાં કુલ 600 બેડની ક્ષમતા થાય તે માટે સરકારમાં વધુ 300 બેડ વધારવા દરખાસ્ત મોકલી છે. તો ત્રીજી લહેરમાં બાળકો માટે પણ 100 બેડ રિઝર્વ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 40 બેડ icu સાથે તૈયાર કરાશે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેરમાં દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહે તે માટે ધારપુર હોસ્પિટલમાં જિલ્લાના મેડીકલ ઓફિસરો, નર્સિંગ સ્ટાફ તેમજ ટેકનિશિયનોને તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ તબક્કાવાર રીતે બે મહિના સુધી આપવામાં આવશે.
બે મહિના સુધી તબક્કાવાર બેચ પ્રમાણે મેડીકલ સ્ટાફને તાલીમ અપાશે
ધારપુર હોસ્પિટલમાં હાલ હોસ્પિટલના 120 ડૉક્ટર, 300થી વધારે નર્સિંગ સ્ટાફ અને 40 જેટલા ટેકનિશિયનો તેમજ જિલ્લાના અન્ય શહેરો અને ગામોમાં આવેલા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ ટેકનિશિયનોની અલગ-અલગ બેચ બનાવી તબક્કાવાર તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં જે જગ્યાએ ફરજ બજાવતા હોય ત્યાં કોરોના કેસ વધે તો કઈ રીતે કોવિડ હોસ્પિટલ ઉભી કરવી, કઈ કઈ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવી, કયા સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો, ગંભીર કેસમાં દર્દીને ઓક્સિજન પર રાખવા તેમજ કોરોના દર્દી પાછળ વપરાયેલા બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલ કરવા જેવી બાબતોની તાલીમ આપવામાં આવે છે.