- પાટણ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી બોડીની મુદત પુરી થઈ
- વાદવિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો પ્રતિ આક્ષેપો સાથે અઢી વર્ષની મુદત પૂરી થઈ
- પાટણ જિલ્લા પંચાયતમાં વહીવટી શાસન આવ્યું
પાટણ જિલ્લા પંચાયતમાં વહીવટી શાસન
પાટણઃ જિલ્લા પંચાયતની ચૂંટાયેલી બોડીની 5 વર્ષની મુદ્દત અને અઢી વર્ષના પ્રમુખ તેમજ ચેરમેનોની ટર્મ પૂરી થતાં હવે જિલ્લા પંચાયતમાં વહીવટી શાસન આવ્યું છે અને આગામી સમયમાં ચૂંટણી યોજાયા બાદ જ્યાં સુધી નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી વહીવટદાર દ્વારા જિલ્લા પંચાયતનો વહીવટ કરવામાં આવશે.
પાટણ જિલ્લા પંચાયતમાં વહીવટી શાસન પાટણમાં સત્તાની સાઠમારી શરૂ
કોંગ્રેસ શાસિત પાટણ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે મહિલાનું શાસન શાંતિપૂર્વક પસાર થયા બાદ બીજા અઢી વર્ષ માટેના સમયગાળામાં પ્રમુખ તેમજ વિવિધ સમિતિઓના ચેરમેન બનવા માટે સત્તાની સાઠમારી શરૂ થઈ હતી અને કોંગ્રેસના કેટલાક સભ્યોએ સત્તા માટે પક્ષ પલટો કર્યો હતો. જેથી જિલ્લા પંચાયતનો વહીવટ ભાજપના હાથમાં આવ્યો હતો.એમાં પણ છેલ્લે સુધી વિવાદનું વાતાવરણ ચાલ્યું હતું. વાદવિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે અઢી વર્ષની મુદ્દત પૂરી થતાં જિલ્લા પંચાયતમાં વહીવટદારનું શાસન આવ્યું છે.
નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી વહીવટદાર સામાન્ય વહીવટ કરશે
પાટણ જિલ્લા પંચાયતનો વહીવટ જિલ્લા વિકાસ અધિકારી ડી કે. પારેખે સંભાળ્યો છે. જિલ્લા પંચાયતમાં નવી બોડીની રચના ન થાય ત્યાં સુધી વહીવટદાર સામાન્ય વહીવટ કરશે. આ સમય ગાળામાં કોઈ નીતિ વિષયક નિર્ણયો લઇ શકાશે નહીં પરંતુ પ્રજા લક્ષ્મી અને વિકાસ કામો વહીવટદાર દ્વારા કરવામાં આવશે.