- ઉંઝા ત્રણ રસ્તા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત
- ટ્રેલર ચાલકે બાઈક ચાલકને મારી ટક્કર
- અકસ્માતને પગલે બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
- ક્રેન વડે ટ્રેલરને ઊંચું કરી બાઇક ચાલકને બહાર કઢાયો
પાટણ: શહેરના હાઇવે માર્ગ પર છાશવારે અકસ્માતોની ઘટના બનતી રહે છે. જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે, તો કેટલાકની મહામૂલી જિંદગીનો પણ અંત આવે છે. ત્યારે ગુરુવારે વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. કાસા ગામે રહેતા અને હાશાપુર ડેરીમાં નોકરી કરતા અજય ચૌધરી પાટણ શહેરના હાંસાપુર ત્રણ રસ્તા પાસેથી રાત્રી દરમિયાન બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સિધ્ધપુર થી પાટણ તરફ આવતા ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારતા બાઈકચાલક ટ્રેલરના આગળના ભાગે ટાયર નીચે આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ઈજાગ્રસ્તને ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો
ઘટનાની જાણ થતાં 108ના પાયલટ જયસિંહ રાજપૂત અને ઇએમટી નિલેશ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ બાઈક સવાર ટાયર નીચે દબાયો હોવાથી તેને બહાર કાઢવો મુશ્કેલ હોવાથી તાત્કાલિક ક્રેન બોલાવી ટ્રેલરનો આગળનો ભાગ ઊંચો કરી ઈજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.