પાટણ :રૂપપુર ખાતે યોજાયેલ કાર્યક્રમ માસ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી આવેલા ખેડૂતોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ તથા ફળ, ફૂલ અને શાકભાજીનું વેચાણ કરતાં નાના વેચાણકારોને વિનામુલ્યે છત્રી યોજનાના પૂર્વ મંજૂરીના હુકમોનું કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર સહિતના મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. હાલ જિલ્લાના 114 ખેડૂત લાભાર્થીઓની સ્માર્ટ હેન્ડ ટુલ્સ કિટ માટેની અરજીઓ તથા વિનામૂલ્યે છત્રી માટેની 690 લાભાર્થીઓની અરજીના પૂર્વ મંજૂરીના હુકમ કરવામાં આવ્યા છે.
પાટણના રૂપપુરમાં "સાત પગલા ખેડૂત કલ્યાણ" યોજના અંતર્ગત ત્રિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
ચાણસ્મા તાલુકાના રૂપપુર ખાતે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરની અધ્યક્ષતામાં "સાત પગલાં ખેડૂત કલ્યાણ "યોજના અંતર્ગત ત્રિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત લાભાર્થીઓને યોજનાના પૂર્વ મંજૂરીના હુકમોનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.
જ્યારે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખેડૂત કલ્યાણ માટે વિવિધ સાત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. ખેડૂત કલ્યાણના આ સાત પગલાં રૂપી યોજનાઓ રાજ્યના ખેડૂતોની સમૃદ્ધિના સાત સોપાન બની રહેશે.
ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં રાજયના 20 જિલ્લાઓના 123 તાલુકાઓમાં રૂ. 3700 કરોડનું સહાય પેકેજ રાજયના ખેડૂતોને મદદરૂપ થવા જાહેર કરવામાં આવ્યું છે. જે પૈકી પાટણ જિલ્લાના છ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જણાવી કેબિનેટ પ્રધાને કૃષિ વિભાગની પાક નુકશાની સર્વે અને ટેકાના ભાવે ખરીદી સહિતની કામગીરી માટે અભિનંદન આપ્યા હતા. આ સાથે જ મુખ્યપ્રધાન પાક સંગ્રહ યોજના, કિસાન પરિવહન યોજના, સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી જેવી યોજનાઓ વિશે ખેડુતોને જાણકારી આપી હતી.