ક્લેક્ટર કચેરી ખાતે જળ શક્તિ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જોઈન્ટ સેક્રેટરી રીના પુરીએ જુદા જુદા વિભાગોની પાણી બચાવો અંગેની યોજનાઓ અંગેની સમીક્ષા કરી હતી. પાટણ જિલ્લામાં સુજલામ્-સુફલામ્, નર્મદા અને ટ્યૂબવેલ દ્વારા પાણી પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે છે. વરસાદના પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, તે પાણીનો ફરીથી ઉપયોગ થાય તે માટે શું શું કરવુ જોઈએ, ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવા અનુરોધ કર્યો હતો.
પાણી બચાવવા માટે મનરેગા દ્વારા થયેલ કામગીરી, બોરવેલ રિચાર્જ, વન વિભાગ દ્વારા થયેલ કામગીરી, ખેત તલાવડી, તળાવો ઊંડા કરવા, ચેકડેમ બનાવવા, આડબંધ બાંધવા, ખેડૂતો દ્વારા સ્પ્રિંકલ ટપક સિંચાઈ પદ્ધતિ દ્વારા પાણીનો ઉપયોગ, હોલિયા દ્વારા પાણીનો સંગ્રહ, સુએઝ પ્લાન્ટ, આત્મા દ્વારા થયેલ કામગીરી, જમીનના પ્રકાર પ્રમાણે પાકની ફેરબદલી કરવા અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કરવામાં આવેલી કામગીરી અને કરવાની થતી કામગીરી અંગેના જરૂરી સુચનો રજૂ કર્યા હતા. સાથે સાથે અધિકારીઓ તરફથી પાણી બચાવો અંગેના સુચનો પણ મેળવ્યા હતાં.