પાટણ : સરકાર દ્વારા એક બાજુ 'બેટી બચાવો બેટી પઢાવો' ના સૂત્ર સાથે મહિલા સશક્તિકરણ અને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે, છતાં અવારનવાર નવજાત બાળકીઓ તરછોડી દેવાના બનાવો પ્રકાશમાં આવે છે. પાટણના ઇતિહાસમાં પ્રથમવાર એક નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના ગત મોડી રાત્રે સામે આવી હતી. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અઘારા દરવાજા પાસે ગત રાત્રે કોઈએ પોતાનું પાપ છુપાવવા રાત્રિના અંધારાનો લાભ લઈ નવજાત જન્મેલી બાળકીને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને કચરાના ઢગ પાસે તારછોડી દેવામાં આવી હતી.
બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો : બાળકીના રડવાનો અવાજ પાસે રહેતી મહિલાના કાને પડતા આ બાબતે તેણે તેના પતિને જાણ કરી હતી. ત્યારબાદ મહિલા દંપતિએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને જાણ કરતા તેઓએ 108ને જાણ કરી હતી. 108 આવે ત્યાં સુધી ધારાસભ્યની સૂચના મુજબ મહિલાએ બાળકીને કોથળી માંથી બહાર કાઢી તેને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે રૂમાલમાં લપેટી હતી. આ દરમિયાન 108 આવી પહોંચતા તેને સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી : બાળકીને સૌપ્રથમ વખત જોનાર આ વિસ્તારના મહિલા આશાબેન પટેલે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ આવતો હતો. હું ઘરની ઓસરીમાં સૂઈ રહી હતી, તે દરમિયાન બાળકીના રડવાનો અવાજ કાને સંભળાયો હતો. જેથી હું અને મારા પતિ બંન્ને જણાએ અવાજની દિશામાં ગયા હતા અને જોયું તો પ્લાસ્ટિકની કોથળીમાં જન્મેલ બાળક હતું. આથી અમોએ મહોલ્લામાં જઈ અન્ય લોકોને વાત કરતા મહોલ્લાના રહીશો બહાર આવ્યા હતા અને બાળકીને કોથળીમાંથી બહાર કાઢી 108ને બોલાવી સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડી હતી.