પાટણઃ મહાત્મા ગાંધીના નશાબંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેના અંતિમ દિવસે સાગોડિયા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના અધ્યક્ષ સ્થાને સમાપન સમારોહ યોજાયો હતો.
પાટણમાં લોકોને નશામાંથી મુક્ત કરવા નશાબંધી સપ્તાહ સમારોહ યોજાયો
મહાત્મા ગાંધીના નશાબંધીના વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતિમ દિવસે સાગોડિયા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના અધ્યક્ષ સ્થાને સમાપન સમારોહ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજે જણાવ્યું કે, મહાત્મા ગાંધીજીના આદર્શોને પગલે રાજ્યમાં નશાબંધી નીતિ અમલમાં છે, જેનો ચુસ્ત અમલ કરી આપણે પૂજ્ય બાપુને સાચી સ્મરણાંજલી પાઠવવાની છે. નશો વ્યક્તિને શારીરિક, માનસિક, સામાજિક તથા આર્થિક રીતે પાયમાલ કરી નાંખે છે. બાળકોને શરૂઆતથી જ નશાથી દૂર રાખવા એ પ્રત્યેક માતાપિતાની ફરજ બને છે. જિલ્લા પોલીસ અધિકક્ષક સાગોડિયાએ લોકોના નશાની બદીથી દૂર રહેવા માટે શપથ લેવડાવ્યા હતા. ગ્રામજનોને કાયદામાં નિર્દેશિત જોગવાઈઓનો ઉપયોગ કરવા તથા ગુના વિરુદ્ધ નાગરિક તરીકે પોતાના હકનો ઉપયોગ કરવા પણ સમજાવવામાં આવ્યા હતા. સમારોહના અંતે જિલ્લા પોલીસ અધિક્ષક તથા અન્ય મહાનુભાવો દ્વારા વ્યસન મુક્તિ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં સાગોડિયા ગામના નાગરિકો, નશાબંધી અને આબકારી કચેરી તથા પોલીસ ખાતાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.