- પ્રગતિ મેદાન ખાતે લોક નૃત્યો અને લોકડાયરો યોજાયો
- ગીતા રબારીએ કસુંબલ ડાયરાની રંગત જમાવી
- રેડિયો જોકી દીપાલી ગઢવીએ સાહિત્યિક રચનાઓ રજૂ કરી
- સિદી ધમાલ નૃત્ય, ચકરી નૃત્ય અને ડાંગી નૃત્યોએ આકર્ષણ જમાવ્યું
- સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ જજ ખાસ ઉપસ્થિત રહ્યા
પાટણઃઐતિહાસિક નગરી પાટણનાં 1275માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે શુક્રવારના રોજ પાટણના પ્રગતિ મેદાન ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી. એ. હિંગુ તથા જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. પારેખની ઉપસ્થિતિમાં પરંપરાગત લોકનૃત્યો તથા ભવ્ય લોકડાયરાની રજૂઆત કરવામાં આવી હતી.
પાટણના ભવ્ય ઇતિહાસના ગૌરવગાન માટેસાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન
ગુજરાતની રાજધાની રહી ચૂકેલા પાટણના ભવ્ય ઇતિહાસના ગૌરવગાન માટે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર પાટણ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચકરી નૃત્ય, ગરાસીયા નૃત્ય, ડાંગી નૃત્ય અને સીદી ધમાલ નૃત્ય જેવા પરંપરાગત લોકનૃત્ય વિવિધ કલામંડળના કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા પરંપરાગત આ લોકનૃત્ય જોઈને પાટણના લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. સાથે જ રેડિયો જોકી દીપાલી ગઢવી દ્વારા સાહિત્ય રચનાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે લોકડાયરાના સુપ્રસિદ્ધ ગાયિકા ગીતા રબારીએ લોકગીતોની રજૂઆત કરી કસુંબલ ડાયરાની રંગત જમાવી ઉપસ્થિત નગરજનોને લોકસંગીતના તાલે ડોલાવ્યા હતા.
શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરે તેવી જિલ્લા વિકાસ અધિકારીએ પાઠવી શુભેચ્છા
સિદ્ધરાજ જયસિંહના સમયમાં પાટણની ભવ્યતા અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથની શોભાયાત્રા દ્વારા કળા અને સાહિત્યને અપાયેલા સમ્માન સહિતની વાતો રજૂ કરી જિલ્લા વિકાસ અધિકારીએ શહેરનો ઉત્તરોત્તર વિકાસ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવા આવેલા કલાકારોનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું.