- સાંતલપુરના બામરોલી નજીક ઓઇલ ચોરીનો મામલો
- ઓઈલ ચોરીમાં સંડોવાયેલા ઇસમોને પોલીસે ઝડપ્યા
- ચોરીમાં ગયેલ 40 હજાર લિટર ક્રૂડ ઓઇલ પોલીસે કબજે કર્યું
પાટણ- બામરોલી નજીક ખેતરમાં હોટલની આડમાં જમીનમાં લાંબી ટનલ બનાવી મુન્દ્રા ભટીંડા પાઇપલાઇનમાં પંચર કરી ઓઇલ ચોરીના મોટા નેટવર્કનો પાટણ LCB પોલીસે તાજેતરમાં પર્દાફાશ કર્યો હતો અને આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા હતા. જેને પગલે 8 શખ્સને રોકડ, 2 ટેન્કર, એક સ્વીફ્ટ ગાડી, મોબાઇલ મળી કુલ 4,92,500ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પૈકી બે આરોપીઓ એસટી નિગમના બસ ડ્રાઇવર છે.
આ પણ વાંચો- વાંકાનેરમાં પાઈપલાઈનમાં ભંગાણ ઓઈલની ચોરી કરી, 3 ઈસમની ધરપકડ
મુન્દ્રા ભટીંડા ઓઇલ લાઇનમાંથી ઓઇલની ચોરી કરાઇ
સાંતલપુર તાલુકાના બામરોલી નજીકથી પસાર થતી મુન્દ્રા ભટીંડા ઓઇલ લાઇનમાંથી ઓઇલની ચોરી કરવામાં આવે છે, તેવી પાટણ LCB પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી હતી. આ દરમિયાન બામરોલી નજીક એક ખેતરમાં પતરાના શેડવાળી હોટલ શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરતાં હોટલની પાછળના ભાગે ખેતરમાંથી દોઢસો મીટરના ભોયરા સાથેની ટનલ મળી આવી હતી અને અંદર ઉતરી તપાસ કરતા HPCLની મિત્તલ ફૂડ ઓઇલની લાઇનમાં પંચર કરી ટનલ મારફતે લાખો લીટર ઓઇલ ચોરીનું નેટવર્ક ચાલતું હોવાનું પ્રકાશમાં આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.
આ ચોરીમાં સંડોવાયેલા 8 શખ્સને LCB પોલીસે ઝડપી લીધા હતા
આ ચોરીમાં સંડોવાયેલા શખ્સને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપી LCB, SOG સહિતની અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આ ચોરીમાં સંડોવાયેલા 8 શખ્સને LCB પોલીસે ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ચોરી કરેલા ઓઇલના વેચાણમાંથી મળેલા રોકડ રૂપિયા 1,70 હજાર, મોબાઈલ નંગ 9 કિંમત 22,500, સ્વીફ્ટ ગાડી રૂપિયા 3 લાખ, ચોરીમાં ગયેલા 40 હજાર લીટર ક્રૂડ ઓઇલ અને બે ટેન્કર મળી કુલ રૂપિયા 4,92,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.