પાટણ: જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પાટણ તાલુકા હેલ્થ કચેરીને 10 ધન્વંતરી રથ ફાળવવામાં આવ્યાં છે. આ તમામ ધન્વંતરી રથની વાનને તાલુકા હેલ્થ કચેરી ખાતે ગોઠવવામાં આવી હતી. આ રથમાં 20 જેટલા ડોક્ટર્સ તેમજ 45 આરોગ્ય કર્મચારીઓના સ્ટાફની સર્વેલન્સની ટીમ કાર્યરત રહેશે.
પાટણમાં કોરોના સંક્રમણને અટકાવવા 10 ધન્વંતરી રથ ફરશે - પાટણ જિલ્લા પંચાયત
પાટણ શહેરમાં બેકાબૂ બનેલા કોરોનાને નાથવા જે તે વિસ્તારમાં જ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યાં છે. જરૂરી તમામ સાધનસામગ્રી અને તબીબી સેવાથી સજ્જ આ રથ પાટણ શહેરના તમામ વોર્ડમાં ફરી આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે.
વિવિધ સુવિધાઓ જેવી કે, દર્દીને તપાસવા માટેની સુવિધા, એસપીઓટુ માપવાનું સાધન, ગ્લુકોમીટરની તેમજ બીપી માપવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આર્સેનિક 30 સંયમની વટી, ઉકાળા સહિતની દવાઓ ઉપલબ્ધ રહેશે. આ રથ પાટણ શહેરના તમામ વોર્ડ દીઠ ફાળવવામાં આવ્યા છે અને રોજ અલગ અલગ વિસ્તારોમાં જઇ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડશે.
આ રથમાં બે ડોક્ટર્સ પૈકી એક ડોક્ટર સ્થળ પર જ ઓપીડી શરૂ કરશે. તેમજ અન્ય ડૉક્ટર દ્વારા હોમઆઈસોલેશનમાં રહેલા, ડિસ્ચાર્જ થયેલા, ખાનગી ડોક્ટરે રીફર કરેલા તેમજ પોઝિટિવ દર્દીઓની હોમ વિઝીટ કરવામાં આવશે.