ગોધરા : શહેરના મધ્યમાં આવેલા પટેલવાડા ચોક વિસ્તારમાં ઉજવાતી હોલિકા કોમી એકતા અને સદભાવનાની પ્રતીક સમાન છે. અહીંયા છેલ્લા 50 વર્ષથી હિંદુ મુસ્લિમ સમુદાયના લોકો એક સાથે મળી હોલિકા દહન પર્વની ઉજવણી કરે છે. અને દેશ અને દુનિયાને કોમી એકતાનો સંદેશો પાઠવે છે.
ગોધરાની હોળીમાં જોવા મળ્યા કોમી એકતાના દર્શન
શહેરમાં ઉજવાતી હોળી દેશ અને દુનિયા માટે કોમી એકતા સદભાવના અને ભાઈચારાનો પ્રતીક સમાન માનવામાં આવે છે. હિન્દૂઓ સાથે મુસ્લીમ સમાજના લોકો હોલિકા દહનમાં ભાગ લઇ કોમી એકતાનો સંદેશ પાઠવે છે.
ગોધરા શહેરમાં એક સાથે મળી ઉજવવામાં આવતા આ પર્વ હોલિકા દહન હિન્દૂ શાસ્ત્રોના રીતિ રિવાજ મુજબ કરવામાં આવે છે. જે હોલિકા દહનમાં મુસ્લિમ સમાજના બિરાદરો પોતાના પરિવાર સાથે હોલિકા દહન પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવે છે. આ વખતે હોલિકા પૂજન ગોધરા ડી.વાય.એસ.પી દેસાઈ તેમજ બી ડિવિજન પી.આઈ પંડ્યાના હસ્તે કરવામાં આવ્યું હતું.
2002 ગોધરા કાંડની ગોઝારી ઘટનાને કારણે કલંકિત બનેલુ ગોધરા શહેર હવે શાંતિ પ્રિય શહેર તરીકેની ઓળખ ધરાવે છે. ઈદ હોય કે પછી દિવાળી તમામ મહત્વના તહેવારો હિન્દૂ અને મુસ્લિમ સમાજનો લોકો એક બીજા સાથે હળી મળીને ઉજવે છે.