પંચમહાલઃ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રધાન પ્રહલાદસિંહ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. મધ્ય ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસનસ્થળ એવા પાવાગઢ પર્વત અને આસપાસના ઐતિહાસિક સ્થળોએ પુરાતત્વીય અવશેષો, સ્મારકોની થઈ રહેલી જાળવણી તેમજ પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જાળવણી અંગેની સૂચના આપી હતી.
પ્રવાસન પ્રધાને માઁ મહાકાળીના દર્શન અને પૂજા અર્ચના કર્યા બાદ સાત કમાન પાસેથી ઉત્ખનન કરતા મળી આવેલા 12મી સદીના ચૌહાણ વંશની વિગતો ધરાવતા શિલાલેખનું અવલોકન કરી કામગીરીની વિગતો મેળવી હતી, ત્યારબાદ તેઓએ આ શિલાલેખોની વિગત કેન્દ્ર સ્તરે મોકલવામાં આવી હતી. તેઓએ લકુલીશ મંદિરની મુલાકાત દરમિયાન ઐતિહાસિક વિગતોનું યોગ્ય દસ્તાવેજીકરણ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નિર્દેશ આપ્યો હતો.