ગોધરાઃ ગોધરાના વીંઝોલ ગામે ઈંટોના ભઠ્ઠામાં એક વર્ષ અગાઉ પરપ્રાંતીય પુરુષની હત્યા થઈ હતી. જેનો ભેદ ઉકેલાતાં પોલીસે એફએસએલ, પ્રાંત અધિકારી અને વીડિયોગ્રાફી સાથે એક વર્ષ અગાઉ દાટી દેવાયેલા મૃદેહને ખોદીને બહાર કાઢ્યો છે.
ઉલ્લેખનીય છે કે, કાકી સાથેના આડા સબંધમાં ભત્રીજાએ કાકાની હત્યા કરી મૃતદેહ દાટી દીધો હતો. જે બાદ પરિવાર ઉત્તરપ્રદેશ વતનમાં જતો રહ્યો હતો. ભત્રીજાએ કાકાની હત્યા કરી હોવાનું બહાર આવતાં ઉત્તરપ્રદેશ પોલીસે ગુનો નોંધી ગોધરા તાલુકા પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. જેના આધારે પોલીસે કાકી અને ભત્રીજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તરપ્રદેશમાં રહેતા રામવીર ઝાટબ, તેમની પત્ની રેખાબેન, ભત્રીજો સંતોષ ઉર્ફે ભીમા ઝાટબ સહિત એક વર્ષ અગાઉ ગોધરાના વીંઝોલ ગામે ઈંટોના ભઠ્ઠામાં મજૂરીકામ કરવા માટે આવ્યાં હતાં. તે દરમિયાન ભત્રીજા સંતોષને પોતાની કાકી રેખાબેન સાથે આડા સંબધ બંધાયા હતા. જે અંગેની જાણ કાકા રામવીરને થઈ ગઈ હતી. આમ, પોતાની પત્નીના આડા સંબધની જાણ થઈ જતાં કાકા રામવીરને ભત્રીજા સાથે ગત વર્ષે એપ્રિલ માસમાં ઝઘડો થયો હતો.
આ ઝઘડમાં સંતોષે અને બીજા એક સાથી યુવકે આવેશમાં આવી કાકા રામવીરને ઈંટો મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેના બાદ કાકા રામવીરના મૃતદેહને નજીક આવેલી નદીના પટમાં દાટી દઈ પુરાવા નાશ કરી દીધાં હતાં. આ સમગ્ર મામલો પતાવી સંતોષ તેની કાકી સાથે પોતાના વતન ઉત્તરપ્રદેશ ચાલ્યાં ગયા હતા. તે દરમિયાન રામવીરભાઈ અંગે ચર્ચા થઈ અને હત્યા કરી મૃતદેહ નદીમાં દાટી દીધો હોવાનું બહાર આવ્યું હતું.
રામવીરભાઈના સ્વજનોએ ઉત્તરપ્રદેશમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉત્તરપ્રદેશ પોલીસે હત્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ટ્રાન્સફર કરી હતી. જેથી પીઆઇ એસ.એમ.ગામેતીએ વધુ તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ગોધરા પોલીસે લોકડાઉન દરમિયાન વતન ઉત્તર પ્રદેશમાંથી સંતોષ ઝાટબ અને મૃતકની પત્નીની હાલ ધરપકડ કરી છે. બંન્નેને ગોધરા તાલુકા પોલીસ મથકે લાવ્યા બાદ શુક્રવારે મોડી સાંજે પોલીસે મામલતદાર, એફ.એસ.એલ અને વીડિયોગ્રાફી સાથે એક વર્ષ અગાઉ નદીમાં દાટી દીધેલા મૃતદેહને ખોદીને બહાર કાઢ્યો છે. પોલીસે ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ મૃતદેહના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યાં છે.