પંચમહાલ ખેતીપ્રધાન જિલ્લો છે. અહીંનો મુખ્ય પાક મકાઈ અને ડાંગર છે. કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતો હવે શાકભાજીની ખેતી તરફ વળ્યા છે. અહીં રીંગણની ખેતી મોટાભાગે થાય છે. શાકભાજીની ખેતીમાં ખાતર, પાણી અને દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હોય છે. તેમાં જીવાતોનો ભય વધારે રહે છે.
ઘણીવાર તેના કારણે ઉત્પાદન પણ ઓછું મળે છે. બજારમાં મળતી કેટલીક દવાઓનો છંટકાવ કરવા છતાં તેનું પરિણામ જોવા મળતું નથી. આ બધી પરિસ્થિતિને જોતા કાલોલ તાલુકાના ઘોડા ગામના યુવાન નીલકુમાર પટેલ દ્રારા એક ઓર્ગેનિક દવાની શોધ થકી આ સમસ્યાનું નિવારણ શોધવાનો પ્રયાસ કરાયો છે. તેમાં તેમને સફળતા મળી છે. આ યુવકે સોઇલ એગ્રીકલ્ચર કેમિસ્ટનો અભ્યાસ કર્યો છે. તેમજ પી.એચ.ડી.ની પદવી પણ હાંસલ કરી છે.
છેલ્લા પાંચ વરસથી ખેડૂતોને શાકભાજીના પાકમાં જીવાતોથી મુક્તિની સાથે વધુ ઉત્પાદન કઇ રીતે મળવવું તે દિશામાં સંશોધન ચાલી રહ્યું હતું. તેમાં નીલ પટેલે કેટલાક રસાયણોના ઉપયોગથી એક ઓર્ગેનિક દવા બનાવી છે. તેનો પ્રયોગ રીંગણના છોડ ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા ગુવાર,કોબી, ફ્લાવર, દુધી ,ટામેટી અને વરિયાળીના છોડ ઉપર પણ તેનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.