પંચમહાલ: જિલ્લામાં હોળીની નીચે માટીના લાડવા દાટીને વરસદનો વર્તારો કાઢવામાં આવે છે. આ લાડવાના ભેજ પરથી ચોમાસું કેવું જશે તે અંગેની આગાહી કરવામાં આવે છે.
પંચમહાલમાં માટીના લાડવા પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા
પંચમહાલ જિલ્લામાં રહેતા ગ્રામીણ વર્ગમાં હોળી ધૂળેટીના તહેવારનું ખાસ મહત્વ હોય છે. હોળી ધુળેટીના પર્વની સાથે સ્થાનિક માન્યતાઓ અને પરંપરાઓ પણ જોડાયેલી છે. જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ હોળી નીચે માટીના લાડવા દાટીને વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા ચાલી આવે છે.
પંચમહાલ જિલ્લામાં હોળીના તહેવારનો માહોલ રંગ પાંચમ સુધી જામતો હોય છે. આ જામતા માહોલ વચ્ચે આજે પણ વર્ષોથી ચાલી આવતી અનોખી પરંપરા જોવા મળે છે. શહેરા તાલુકાના લાભી ગામે હોળી અને ધુળેટી પર્વની ઊજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. જેમાં હોળીના દિવસે માટીના 4 લાડવા હોળી પ્રગટાવવાની જગ્યાએ દાટવામાં આવ્યા હતા. ત્યારબાદ ધુળેટીના દિવસે જે જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી તે જગ્યા પર ગ્રામજનોએ નૃત્ય કરીને દાટવામાં આવેલા લાડવા બહાર કાઢ્યા હતા. આ 4 લાડવાને ઋતુ પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો, અને આસો નામ આપવામાં આવ્યાં હતા. જેમાં આ તમામ 4 લાડવા સરખા જ ભીના થતાં વરસાદ સારો રહેશે તેવું ગ્રામજનોએ કહ્યું હતું.