પંચમહાલઃ સમગ્ર દેશની જેમ પંચમહાલ જિલ્લામાં પણ નાગરિકોને વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણનો ભોગ બનતા અટકાવવા સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ આયોજન કરી વિવિધ પગલાઓ લેવામાં આવી રહયા છે. આવા પ્રયત્નોની શ્રેણીમાં કૃષિપ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલ તાલુકાના 79 અને જાંબુઘોડા તાલુકાના 22 ગામો માટે માસ્ક, સેનેટાઇઝર તેમજ જંતુનાશક પાઉડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Covid 19: કૃષિપ્રધાનના હસ્તે હાલોલમાં માસ્ક અને સેનિટાઈઝરનું વિતરણ - latest news of lockdown
પંચમહાલ જિલ્લામાં રાજ્યના પ્રધાન જયદ્રથસિંહ પરમારના હસ્તે હાલોલ તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે લોકોને સંક્રમણથી બચવા સરકારના નિયમોનું પાલન કરવા અંગે સૂચન પણ કર્યુ હતું.

પ્રધાને વિતરણ કરતા જણાવ્યું હતું કે," જિલ્લાના ગામોમાં કોરોનાનો પગપેસારો રોકવા માટે સોશિયલ ડિસ્ટનસિંગ સહિતના અટકાયતી પગલાં લેવા ઉપરાંત ગ્રામજનોએ આ સંદર્ભે સક્રિય અને સજાગ થઈ તંત્ર દ્વારા અપાતા નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ."
તેમણે કોરોનાના લક્ષણ જણાય તો જરા પણ ડર રાખ્યા વગર કોરોના હેલ્પલાઇન 104 પર અને જિલ્લા આરોગ્ય વિભાગને જાણ કરવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો. લૉકડાઉન દરમિયાન જો અનિવાર્યપણે બહાર નીકળવાનું થાય તો પણ અન્યોથી સલામત દૂરી બનાવી રાખીશું તો કોરોના સંક્રમણ ફેલાશે નહીં અને તેની ચેઇન અટકાવા અંગે પ્રધાને જણાવ્યું હતું. જે બાદમાં આ પ્રસંગે ગામ દીઠ 100 માસ્ક, 10 કિલો જંતુનાશક પાઉડર અને સેનેટાઇઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું.