- વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતો
- ટેમ્પામાં વેજલપુર પોલીસને 500 ML બીયરની 66 પેટી મળી આવી
- 384 પેટી વિદેશી દારૂ અને બિયરનો મુદ્દામાલ મળી આવ્યો
પંચમહાલ- વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ શુક્રવારે રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે PSI આર.ડી.ચૌધરીને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ બાતમી મળી હતી કે, દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશસિંહ ચૌહાણ અને રમેશભાઇ ધનાભાઈ વણકર બન્ને ભેગા મળીને કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા ઈંટોના ભઠ્ઠા નજીક ભકાભાઇના ખેતરમાં 407 ટેમ્પામાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવીને કટિંગ કરી રહ્યા છે. જે બાતમી આધારે PSI આર.ડી.ચૌધરી અને પોલીસ સ્ટાફ સાથે રાત્રિના સુમારે સરકારી અને ખાનગી વાહન સાથે રેડ કરતા એક ટેમ્પો ઉભો હતો અને એક શખ્સ ટેમ્પાની પાછળ ઊભો હતો.
આ પણ વાંચો- મદિરા અને તેના પાછળની માન્યતા, જાણો મદિરાપાનની વિવિધ અવસ્થાઓ અને લક્ષણો...
વિદેશી દારૂની પ્લાસ્ટિકની 180 MLની 303 પેટી મળી આવી
પોલીસે શખ્સને પકડીને નામ પુછતા દિવ્યરાજસિંહ ઉર્ફે રાજા ઉમેશ સિંહ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસને જોઇને તેની સાથેનો રમેશભાઈ વણકર તથા ટેમ્પો ચાલક અને બીજા માણસો અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. સ્થળ પરથી ટેમ્પામાં વેજલપુર પોલીસને 500 ML બીયરની 66 પેટી મળી આવી હતી તથા ટેમ્પા નજીક ભોયતળિયેથી રોયલબ્લુ કંપનીની વિદેશી દારૂની પ્લાસ્ટિકની 180 MLની 303 પેટી મળી આવી હતી.