પંચમહાલ: જિલ્લામાં વિવિધ જોવાલાયક સ્થળો આવેલા છે. જેમાં ઉંચા શિખરની ટોચ પર માઁ મહાકાળી પણ બિરાજમાન છે. જેને ભારત દેશમાં ફેલાયેલી 52 શક્તિપીઠોમાની એક ગણવામાં આવે છે. આ પર્વતની સાથે વિવિધ માન્યતાઓ પણ જોડાયેલી છે. જેમાં એક માન્યતા અનુસાર, દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં આમંત્રણ વિના પહોંચી પાવર્તીનું અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો હતો. જેથી ક્રોધમાં આવેલા શંકરે પાર્વતીના શરીરને લઈને તાંડવ નુત્ય કર્યું હતું.
શંકરના ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમના શરીરના ટૂકડા કર્યા હતાં, જે પૃથ્વી પર પડયા હતા અને ત્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. પાવાગઢ પણ આમાંની એક શક્તિપીઠ છે. અહીં માઁ મહાકાળીના દર્શન કરવા 2 પડાવ પાર કરવા પડે છે. જેમાં પાવાગઢની તળેટીથી માચી જવું પડે છે અને ત્યાંથી ઉડન ખટોલા અથવા પગથિયાં થકી નિજ મંદિર સુધી પહોંચી શકાય છે.