- પાંચ દિવસમાં પરિવારના પાંચ સભ્યોનું કોરાનાથી મોત થયું હોવા છતા ફરજ પર થયા હાજર
- પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે બજાવે છે ફરજ
- છેલ્લા બે વર્ષથી એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે
પંચમહાલઃ છેલ્લા સવા વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વને વૈશ્વિક મહામારી કોરોનાએ પોતાના ભરડામાં લીધા છે. અસંખ્ય લોકોએ આ બીમારીના કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે, જ્યારે લાખોની સંખ્યામાં કોરોનાના દર્દીઓ હાલ સરકારી તેમેજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. કોરોના કાળમાં અનેક સેવા દાતાઓ પોતાની યથા શક્તિ પ્રમાણે લોકોની મદદ પણ કરી રહ્યા છે. કેટલીક સેવાકીય સંસ્થાઓ હોસ્પિટલોને મોટું દાન અને દવા આપી આ બીમારીના ખપ્પરમાંથી લોકોને ઉગારવાના પ્રયાસ કરી રહી છે. નાત, જાત, ધર્મ કોઈ પણ ભેદભાવ વગર માનવ સેવા એ જ પ્રભુ સેવાના ઉમદા હેતુ સાથે અનેક દાતાઓએ મદદના હાથ લંબાવ્યાં છે.
પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના કરી રહ્યા છે લોકોની સેવા
કોરોનાના આ કપરા સમયમાં સરકારી હોસ્પિટલોમાં ફરજ બજાવનારા આરોગ્ય કર્મી તેમજ કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવનારા પોલીસ કર્મી સહીત આ સેવા ફરજમાં છેલ્લા બે વર્ષથી જોડાયેલા કોરોના યોદ્ધાઓને કોરોના વોરિયર્સનો દરજ્જો આપવામાં આવ્યો અને તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યાં છે. આ સમય દરમિયાન કેટલાક એવા કોરોના યોદ્ધાઓના કિસ્સા પણ સામે આવ્યાં કે જેઓએ પોતાની તેમજ પોતાના પરિવારની જરા પણ ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે.
માત્ર પાંચ દિવસના સમયગાળામાં પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવ્યાં
આજે એક એવા કોરોના યોદ્ધાની વાત જે કોરોના વોરિયર્સે માત્ર પાંચ દિવસના સમયગાળા દરમિયાન પોતાના ઘરના મોભી સહીત પરિવારના પાંચ સભ્યો ગુમાવી દીધા હતા. તેમ છતાં માનવ સેવા બજાવવા માટે ફરજ ઉપર હાજર થઈ ગયા હતા. ગોધરા 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતા પ્રવીણ બારીયા કે જે મોરવા હડફ તાલુકાના ખાનપુર ગામના વતની છે. પ્રવીણભાઈ છેલ્લા 12 વર્ષથી 108 ઇમર્જન્સી સેવામાં પાયલોટ તરીકે ફરજ બજાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ ગોધરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી વચ્ચે પ્રવીણભાઈ એક પણ રજા લીધા વિના એક ધારી સેવા આપી રહ્યા છે.