પંચમહાલઃ કોરોના સામે સાવચેતીના ભાગરૂપે તેમજ કોરોનાના ચેપની સાંકળ વધુ ફેલાતી અટકાવવા માટે હાલ રાજ્ય લૉકડાઉન કરવામાં આવ્યું છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવામાં આવી છે, ત્યારે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ પણ હાલ બંધ છે. જેથી પંચમહાલ જિલ્લામાં આવેલી કુલ 1410 પ્રાથમિક શાળાઓ પણ હાલ બંધ છે, ત્યારે આ શાળામાં આવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહીને જ અભ્યાસ કરી શકે અને અભ્યાસ અંગેની સ્મૃતિ આ દિવસો દરમિયાન કેળવે તેવા ઉમદા હેતુથી પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૩ થી ૮ ના તમામ વિષયોને લગતું ડીજીટલ સાહિત્ય તૈયાર કરવામાં આવ્યું છે.
આ સાહિત્ય બાળકોના વાલીઓને તેમના મોબાઈલ પર મોકલીને બાળકોને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વાલીઓ પાસે મોબાઈલની સુવિધા નથી તેવા વાલીઓના બાળકોને શાળાની શિક્ષણ સમિતિના સભ્યના મોબાઈલ મારફતે સાહિત્ય પહોંચાડીને પણ બાળકોને હાલ અભ્યાસ કરાવડાવવામાં આવી રહ્યો છે. જિલ્લાની તમામ શાળાના આચાર્યો દ્વારા તેમની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓનું એક વ્હોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આ ગ્રુપ મારફતે તમામ અભ્યાસ લાગતું સાહિત્ય હાલ પહોંચાડવામાં આવ્યું છે અને તેની મદદથી હાલ બાળકો સારી રીતે ઘરે બેઠા અભ્યાસ કરી રહ્યા છે.