ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આરોગ્ય કેન્દ્રોની કથળતી હાલત - Ghoghamba taluka

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધારે પ્રસરી રહ્યું છે. ત્યારે તેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાન પંચમહાલ જિલ્લામાં ખરેખર કેટલું સફળ સાબિત થયું છે, તે જાણવા માટે ETV Bharat દ્વારા ઘોઘંબા તાલુકાના રીંછવાણી તેમજ સીમલીયા ગામોમાં તપાસ કરવામાં આવી હતી.

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આરોગ્ય કેન્દ્રોની કથળતી હાલત
પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આરોગ્ય કેન્દ્રોની કથળતી હાલત

By

Published : May 10, 2021, 6:46 PM IST

Updated : May 10, 2021, 9:28 PM IST

  • ETV Bharat દ્વારા કરવામાં આવ્યું ઘોઘંબાના 2 ગામમાં રિયાલિટી ચેક
  • રીંછવાણી ગામમાં કોવિડ સેન્ટરમાં ઓક્સિમીટર જ બંધ હાલતમાં મળ્યા
  • સીમલીયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રને જ સારવારની જરૂર જણાઈ

પંચમહાલ: જિલ્લાના આંતરિયાળ ગામોમાં હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં હોવાનું સરકારી ચોપડે જોવા મળી રહ્યું છે. જિલ્લાના આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં સઘન ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટની કામગીરી થકી યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવતી હોવાની બાંગો સરકારી તંત્ર દ્વારા પોકારવામાં આવી છે. ત્યારે ETV Bharat દ્વારા પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આવેલા રીંછવાણી અને સીમલીયા ગામની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સરકારના દાવાઓ પોકળ સાબિત થતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો:આણંદ જિલ્લામાં 30થી 40 ટકા કોરોના કેસ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવે છે: જિલ્લા વિકાસ અધિકારી

જિલ્લાના પ્રભારી પ્રદીપસિંહે તાજેતરમાં જ સ્થાનિક તંત્રની પીઠ થાબડી હતી

જે પ્રકારે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના પરિસ્થિતિ કાબૂમાં હોવાના દાવા કર્યા હતા. આ દાવાઓ બાદ રાજ્યના ગૃહ પ્રધાન અને પંચમહાલ જિલ્લા માટે કોરોનાના પ્રભારી પ્રદીપસિંહ જાડેજાએ તંત્રની કામગીરીને બિરદાવી હતી અને પ્રશાસનની પીઠ થાબડી હતી. જો તેમણે જાતે જ સ્થળ નિરીક્ષણ કર્યું હોત, તો પરિસ્થિતિ કંઈક જુદી જ હોત!

આ પણ વાંચો:મોરબીના ઘુંટુ ગામે એક માસમાં કોરોનાનો હાહાકાર, સરકારી તંત્ર આકડા છૂપાવતું રહ્યું

રીંછવાણી ગામ

ETV Bharat દ્વારા જ્યારે રીંછવાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી ત્યારે કેન્દ્રમાં RT-PCR ટેસ્ટ માટેની કીટ જ ન હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત 5 દિવસ બાદ જરૂરિયાત કરતા ઓછી રેપિડ ટેસ્ટ કીટ મળી હોવાની માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્રમાં ઓછામાં ઓછા 2 ડોક્ટરો હોવા જોઈએ. જોકે, રીંછવાણી આરોગ્ય કેન્દ્રમાં માત્ર એક જ ડોક્ટર હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા આરોગ્ય કેન્દ્રની નજીકમાં જ કોવિડ આઈસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જ્યાં તપાસ કરતા એક પણ દર્દી ન હોવાનું નજરે પડ્યું હતું. આ ઉપરાંત આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા ઓક્સિમીટરની તપાસ કરતા તેમાં કોઈ સ્પષ્ટ આંકડાઓ પણ જોવા મળ્યા ન હતા. જેથી અનુમાન લગાવી શકાય છે કે, કદાચ ઓક્સિમીટરને પણ સારવારની જરૂર હશે.

પંચમહાલના ઘોઘંબા તાલુકામાં આરોગ્ય કેન્દ્રોની કથળતી હાલત

સીમલીયા ગામ

સીમલીયા ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મળતી સારવારની સમીક્ષા કરવા જતા આરોગ્ય કેન્દ્રની ઈમારતને જ સારવારની જરૂર હોય, તેમ લાગી રહ્યું હતું. આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના રૂમને છોડીને બાકીના તમામ રૂમની હાલત ભંગારના ગોડાઉન જેવી હોવાનું દ્રશ્યમાન થતું હતું. ઓક્સિજન પર ચાલતા આ આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની પણ સુવિધા જોવા મળી ન હતી. ગામમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત બનાવવામાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લેતા તાળુ મારેલી હાલતમાં જોવા મળ્યું હતું. જ્યારે નજીકમાં જ આવેલા રાણીપુરા દામાવાવ ખાતેનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પણ તે જ રીતે તાળું મારેલી હાલતમાં જોવા મળ્યું હતું.

લોકોમાં આવી જાગૃતતા, પણ સુવિધાના અભાવે ભોગવવાનો વારો

અગાઉ લોકોમાં ટેસ્ટિંગ માટે જાગૃતતા ન હોવાથી ટેસ્ટિંગનો આંકડો ખૂબ નીચો જોવા મળતો હતો. જોકે, હાલમાં લોકોમાં જાગૃતતા આવી હોવાથી લોકો સામે ચાલીને ટેસ્ટિંગ માટે આગળ આવી રહ્યા છે. ત્યારે આરોગ્ય કેન્દ્રોમાં ટેસ્ટિંગ કીટના અભાવથી મોટાભાગના લોકોને વીલાં મોઢે પાછું ફરવું પડી રહ્યું છે.

કોરોનાને કારણે 2 ગામના સરપંચોના પણ થયા મોત

ઘોઘંબા તાલુકામાં છેલ્લા એક મહિનામાં જ 250થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તાલુકાના 2 ગામના સરંપચ પણ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાની માહિતી મળી રહી છે. ઘોઘંબામાં કે તેની આસપાસમાં કોઈ મોટી હોસ્પિટલો કે મોટી ખાનગી હોસ્પિટલ ન હોવાથી લોકોને પણ સારવાર માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. આ વચ્ચે તંત્ર દ્વારા માત્ર આંકડાઓ ઘટાડીને સબ સલામતની બાંગો પોકારવામાં આવી રહી છે. જેના કારણે લોકોમાં જનપ્રતિનિધિઓ વિરૂદ્ધ રોષ પ્રગટતો જોવા મળી રહ્યો છે.

Last Updated : May 10, 2021, 9:28 PM IST

ABOUT THE AUTHOR

...view details