પંચમહાલના કાલોલ અને હાલોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તરખાટ મચાવતી ડીઝલ ચોર ગેંગ સક્રિય થઇ હતી. હાલોલ કાલોલ રોડ પર મોટી સંખ્યામાં પેટ્રોલ પમ્પ અને હોટેલો આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં બહારથી આવતા મોટા વાહનો રાત્રી રોકાણ કરતા હોય છે અને ખાસ કરીને આ વિસ્તારમાં ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલ હાલોલ જીઆઇડીસી પણ આવેલી છે. જ્યાં માલ સામાનની હેરફેર માટે આવતા મોટા વાહનો ખાનગી પાર્કિંગ પ્લોટમાં પોતાના નંબર આવાની રાહમાં બેથી ત્રણ દિવસ રોકાતા હોય છે. ત્યારે આવા મોટા વાહનોમાંથી ખૂબ જ સહેલાઇથી ડીઝલ ચોરી કરતી ગેંગ છેલ્લા ઘણા સમયથી કાલોલ અને હાલોલ વિસ્તારમાં સક્રિય થઇ હતી.
ડીઝલ ચોર ગેંગને પકડવા પોલીસે કર્યું ફાયરિંગ મોટાભાગે બહારના રાજ્યોમાંથી આવતા મોટા વાહનોને જ ટાર્ગેટ બનાવી તેમાંથી ડીઝલ ચોરી કરતા હતા. જેને લીધે ડીઝલ જેવી સામાન્ય ચોરીની ફરિયાદ કરવાનું વાહન માલિકો ટાળતા હતા. પરંતુ પંચમહાલ પોલીસને આ બાબતની અનેક મૌખિક ફરિયાદો મળી હતી. ડીઝલ ચોરી કરતી આ ગેંગ પોતાના કાર્યમાં એટલી તો નિપુણતા હાંસલ કરી હતી કે, હવે તેઓ લોકલ મોટા વાહનો જે રોડ ઉભા રહ્યા હોય તેવા વાહનોમાંથી પણ ડીઝલ ચોરીને રફુચક્કર થઇ જતા હતા.
આ ડીઝલ ચોર ગેંગ ડીઝલ ચોરી કરવા માટે મોંઘી કાર રાખતા હતા. જેથી તેમની પર કોઈ શંકા ન કરે.પંચમહાલ પોલીસ ડીઝલ ચોર ગેંગની કરતૂતોથી એટલી ત્રસ્ત થઇ ગઈ હતી કે, આ ટોળકી ઝડપી પાડવા માટે બાતમીદારોનો સહારો લઇ વોચ ગોઠવી હતી.
પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા સચોટ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં વાહનોની આસપાસ ફરતી દેખાઈ રહી છે. જેને આધારે હાલોલ ટાઉન પીએસઆઇ દ્વારા આ શંકાસ્પદ સ્વીફ્ટ કારને શોધી તેનો પીછો કરતા આ કાર પોલીસને જોઈ કાલોલ તરફ જતા કાલોલ પોલીસને આ બાબતથી માહિતગાર કરવામાં આવતા કાલોલ પોલીસ મધવાસ ખાતે બનાવેલ ચોકી પર નાકાબંધી કરી હતી. પોલીસને રોડ પર ઉભેલી જોતા જ સ્વીફ્ટ કાર ચાલકે બેરિકેટ તોડી ભાગવા જતા વચ્ચે પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ફિલ્મી ઢબે સર્જાયેલા આ ઘમાસાણમાં એક જીઆરડી જવાનને બન્ને પગે સ્વીફ્ટ કાર ફરી વળતા ફ્રેક્ચર થયુ હતું.
બેરિકેટિંગ તોડી ભાગેલ કારનો પીછો કાલોલ પીએસઆઈ એ પોતાની ખાનગી કારથી સ્વીફ્ટ કારનો પીછો કરતા જ્યાં સ્વીફ્ટ કારમાંથી ઉતરેલા 4 જેટલા ઈસમોએ પીએસઆઇની કાર પર હુમલો કર્યો હતો. પીએસઆઇ એકલા હોય પોતાની પર હુમલો થતા જોઈ સ્વબચાવ અને હુમલાખોરોને રોકવાના પ્રયાસમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, તે છતાં આ ટોળકીના ઈસમો પીએસઆઇ સામે આવતા પીએસઆઇ એ પોતાની સર્વિસ રિવોલ્વોરથી સીધું ફાયરિંગ કરતા ગોળી સ્વીફ્ટ કારને અથડાઇ હતી. આથી ડીઝલ ચોર હુમલાખોરો અંધારાનો લાભ ઉઠાવી પોતાની સ્વીફ્ટ કાર સ્થળ પર મૂકી પલાયન થઇ ગયા હતા.
કાલોલ પીએસઆઇ પર હુમલો તેમજ તેમના દ્વારા ફાયરિંગ ની ઘટનાની ગંભીરતાને લઇ ડીવાયએસપી સહીતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં સ્થળ પર તપાસ કરતા નંબર વગરની સ્વીફ્ટ કારમાંથી સંતાડી રાખેલી નંબર પ્લેટ, ડીઝલ ચોરી માટે વપરાતી પાઇપ, તેમજ ડીઝલ ભરેલા અને ખાલી કેરબા મળી આવ્યા હતા. ઘટના સ્થળે ફાયરિંગ થયું હોવાથી અને આરોપીઓ ફરાર થયા હોવાથી તેમનું પગેરું મેળવવા એફએસએલની ટીમની પણ મદદ મેળવવામાં આવી હતી. હાલ પોલીસને આ સમગ્ર ઘટનામાં એક આરોપી મફૉ ઉર્ફે મહીપત કે જે ડેસર તાલુકાના અમરાપુરા ગામનો વતની હોવાનુ ગાડીમાંથી મળેલા દસ્તાવેજોના આધારે અને કાલોલ પીએસઆઇ દ્વારા કરાયેલી ઓળખના આધારે હોવાનુ બહાર આવ્યું હતું
હાલ તો કાલોલ પોલીસે ઘટના સંદર્ભે ચાર ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, ચોરી સહીતના ગુનાઓ નોંધી જેનું નામ બહાર આવ્યું છે. તે મફૉ ઉર્ફે મહીપત તેમજ અન્ય ફરાર અને સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પંચમહાલમાં આતંક મચાવનાર ડીઝલ ચોર ટોળકીનું પગેરું મેળવવામાં તો હાલ પંચમહાલ પોલીસને સફળતા મળી છે અને પોલીસ એવો આત્મવિશ્વાસ પણ બતાવ્યો છે કે, ટૂંક સમયમાં આરોપીઓ પોલીસના હાથમાં હશે. ત્યારે આ ડીઝલ ચોરી પ્રકરણમાં મોટી ગેંગ સંડોવાયેલી હોવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.