પંચમહાલ: આગામી 25 માર્ચથી ચૈત્રી નવરાત્રી શરુ થઈ રહી છે. ત્યારે નવરાત્રી પર્વમાં શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે. નવરાત્રી સિવાય પણ અહીં દરરરોજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓનો ધસારો પાવાગઢ ખાતે રહેતો હોય છે. હાલમાં ચાલી રહેલા કોરોના વાઈરસના સંભવિત સંક્રમણને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડી તમામ જાહેર સ્થળો અને યાત્રાધામોને બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજરોજ પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે જાહેરાત કરવામાં આવી છે. આજ સાંજની આરતી બાદ મંદિર બંધ રહેશે.આગામી 20 માર્ચથી 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે પાવાગઢ મંદિર દ્વાર બંધ રાખવામાં આવશે.
ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠો માટે અનેરું મહત્વ હોય છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા નવરાત્રી દરમિયાન નિયત પૂજા વિધિ કરવામાં આવશે. કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તરફથી આગામી 20 થી 31 માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને રાજ્ય સરકાર દ્વારા નવી એડવાઈઝરી બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી મંદિર ટ્રસ્ટ જિલ્લા વહીવટી તંત્રને પૂરતો સાથ સહકાર આપી મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.