પંચમહાલઃ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પાવાગઢ ટેમ્પલ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. જેથી ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર કમિટીએ નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ મંદિરને ખોલવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અનલોકમાં તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે પરવાનગી આપી હતી. જેમાં ઘણાં મંદિરોના ટ્રસ્ટે મંદિર ભક્તો માટે ખોલ્યા હતાં, તો ઘણાં ટ્રસ્ટીઓએ કોરોના સંક્રમણને કારણે મંદિર બંધ રાખ્યાં હતાં. વિરપુરના જલારામ મંદિરને અનલોકના તબક્કામાં ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ વધતાં ફરી બંધ કરવામાં આવ્યું હતું. જે ફરી ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. આમ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ મંદિરના ટ્ર્સ્ટ મંદિર ખોલવાનું અને બંધ કરવાનું નક્કી કરતા હોય છે. જે અંતર્ગત પાવાગઢ મંદિરની કમિટીએ નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
પાવાગઢ મંદિરના અન્ય સમાચાર