પંચમહાલઃ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આવેલા માં કાલિકા મંદિરને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આગામી નવરાત્રિ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય પાવાગઢ મંદિર મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જો કે, પાવાગઢ મંદિરની આસપાસના તળેટીના વિસ્તારોમાં વર્ચ્યુઅલ દર્શનની વ્યવસ્થા ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
પાવાગઢ મંદિર નવરાત્રી દરમિયાન રહેશે બંધ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ દેશભરના માઇભક્તોની આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે સામાન્ય દિવસો કરતા નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે ભક્તોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે.
નવરાત્રિના 9 દિવસ દરમિયાન પાવાગઢ ખાતે અંદાજીત 10 લાખ દર્શનાર્થીઓ માતાજીના દર્શને ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી આવે છે, ત્યારે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવી જગ્યાઓ માટે સરકાર દ્વારા કોવિડ-19 અંગેની ખાસ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિને ધ્યાને લઇને ખાસ નવરાત્રિ અંગે પણ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, ત્યારે આ નવરાત્રિ અંગેની ગાઈડલાઈનનું પાલન પાવાગઢ ખાતે નવરાત્રિના સમય દરમિયાન કરાવવું શક્ય ન હોવાથી મંદિરને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ મંદિરને નવરાત્રિ દરમિયાન એટલે કે 16 ઓક્ટોબરથી 01 નવેમ્બર સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન પાવાગઢ તળેટી ખાતે વર્ચ્યુઅલ દર્શનની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.