પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરાની સાથે શહેરામાં પણ પાંચ દિવસની આતિથ્ય માણ્યા બાદ બાપાને અશ્રુભરી આંખે વિદાય આપવામાં આવી હતી. નગરમાં નાની-મોટી મળી 50થી વધુ મૂર્તિઓનું સ્થાપના કરવામાં આવી હતી. બપોરના સમયે ગણેશ પંડાલમાં પૂજન-અર્ચન બાદ શહેરા નગરના મુખ્ય હાઇવે માર્ગ પર દાદાની સવારી નીકળી હતી. નાસીક ઢોલ નગારા અને ડીજેના તાલે ભકતોએ નાચગાન કર્યા હતા. અને "ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુ જલ્દી આના ના નારા લગાવ્યા હતાં.
શહેરામાં તિરંગો લહેરાવી ગણપતિ બાપાની વિદાય
પંચમહાલઃ જિલ્લાના શહેરા ખાતે ધામધૂમથી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી હતી. શહેરા ખાતે આવેલા નગરપાલિકા પાસેના તળાવમાં નાની મોટી થઈને 50થી વધુ મૂર્તિઓનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.
સલામપુરા ગામના યુવક મંડળ દ્વારા સવારીમાં તિરંગા લહેરાવ્યા હતાં. ગણેશ સવારી વિવિધ વિસ્તારોમાં ફરી સવારી શહેરા નગરના મુખ્ય તળાવ પાસે આવી પહોંચી હતી. શહેરા નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન માટે ખાસ તરાપો તેમજ તરવૈયાની ટીમ તેનાત કરવામાં આવી હતી અને ત્યારબાદ એક પછી એક ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને પોલીસ, હોમગાર્ડસ અને SRP જવાનોનો કાફલો ખડે પગે રહ્યો હતો. મોડી સાંજ સુધી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયુ હતું.