નવસારી: ગુજરાતમાં ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો તગડું વ્યાજ વસૂલતા હોવાની ફરીયાદો સામે આવી છે. પરંતુ નવસારીના મોલધરા ગામે વ્યાજ સાથે તગડી પેનલ્ટી અને મુદ્દલને ડબલ કરી તેના ઉપર વ્યાજ, હપ્તો ચુકી જવાય તો આગળના હપ્તા ભૂલી જવાના અને મુદ્દલ ફરી ડબલ કરી વ્યાજ વસૂલવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં 2 હજાર રૂપિયાની મુદ્દલ 1.31 લાખે પહોંચતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે બંને ભેજાબાજ વ્યાજખોરોની ધરપકડ કરી જેલના સળિયા ગણતા કરી દીધા હતા.
10 ટકાના વ્યાજે લીધા હતા નાણાં: પોલીસ મથકમાં માસૂમ ચહેરો કરીને ઉભા રહેલા આ બે ભેજાબાજ વ્યાજખોર છે. નવસારીમાં કબીલપોર ખાતે રહેતો પ્રવિણ શાહ ઉંચા વ્યાજે રૂપિયા ફેરવતો હતો અને તેના માટે માણસો પણ રોક્યા હતા. જ્યારે નવસારીના મોલધરા ગામે રહેતો ઇમરાન નૌસરકા પ્રવિણ માટે કામ કરતો હતો. 5 વર્ષ અગાઉ ઇમરાનની જાળમાં તેના જ ગામનો 25 વર્ષીય તરવરતો યુવાન અક્ષય રાઠોડ ફસાયો હતો. વાયારમેન અક્ષય સાડીના ભરતકામ કરાવવાનો ધંધો પણ કરતો હતો. સાડી ભરત કરનાર મહિલાઓને મજૂરીના રૂપિયા આપવા અક્ષયે 2000 રૂપિયા ઇમરાન પાસે 10 ટકાના વ્યાજે લીધા હતા.
એક દિવસની પેનલ્ટી 500 રૂપિયા:વ્યાજના 200 રૂપિયા અને તારીખ ચુકી જાય તો એક દિવસની પેનલ્ટી 500 રૂપિયા આપવાની થતી હતી. પરંતુ ધંધા થકી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના સપના જોતા અક્ષયે હિંમત કરી વ્યાજે રૂપિયા લીધા અને ત્યારબાદ પણ જરૂર પડ્યે ટુકડે ટુકડે વ્યાજે રૂપિયા લઈ કુલ 31 હજાર રૂપિયા લીધા હતા. પરંતુ અક્ષય વ્યાજ નહી ભરી શકતા ઇમરાને બે હજાર પેનલ્ટી ચઢાવી 33 હજાર અને એના ડબલ કરી 67 હજાર રૂપિયા આપવના બતાવી, 2830 રૂપિયાના 24 મહિનાના હપ્તા કરી આપ્યા હતા. 18 હપ્તા અને તારીખ ચૂકતા 1 દિવસના 500 રૂપિયા લેખે પેનલ્ટી ભર્યા બાદ અક્ષય હપ્તા ભરી ન શકતા ઇમરાને તિકડમ લગાવી 18 હપ્તા ભૂલી જવા કહ્યું અને ફરી 67 હજાર રૂપિયા પર 10 ટકા વ્યાજ વસુલ્યું હતુ.