પંચમહાલ: જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે જિલ્લામાં 7 નવા પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 172 પર પહોંચી ગઇ છે. 114 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા પણ આપી દેવાઈ છે જ્યારે 14 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.
જો કે હાલ જિલ્લામાં કોરોનાના 44 કેસો હજી સક્રિય છે, જેમની સારવાર ચાલી રહી છે. આજના કેસની વિગતોમાં હાલોલ તાલુકામાં ૪ વ્યક્તિઓ કોવિડ-19 સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હાલોલના રણછોડનગર વિસ્તારમાં રિદ્ધિ એપાર્ટમેન્ટના 45 વર્ષીય મહિલા અને 18 વર્ષીય યુવતી, સીએચસી સ્ટાફ ક્વાર્ટરના 45 વર્ષીય પુરુષ તેમ જ અંકિતાપાર્કના 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોધરામાં મળી આવેલા 2 કેસો પૈકી શહેરની પોલીસલાઈનમાં રહેતા 45 વર્ષીય મહિલા અને શહેરાભાગોળ ડબગરવાસમાં રહેતા 54 વર્ષીય મહિલા સંક્રમિત મળી આવ્યા છે. કાલોલના પટેલ ફળિયાના 40 વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.