પંચમહાલ જિલ્લાના પાર્ટનગર ગોધરા શહેરના મધ્ય વિસ્તરામાં આવેલ શહેરા ભાગોળ રેલવે ફાટકની વર્ષો જૂની સમસ્યા આખરે અંતના આરે પહોંચી છે. રાજ્ય સરકાર દ્વારા અંડર બ્રિજ નિર્માણ માટે 9.86 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે. જેને લઇ ગોધરા નગરના લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે.
આ સાથે ફરી એક વાર વિકટ સમસ્યા નિવારણની આશા બંધાઈ છે. ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારને જોડતા ભાગોળ વિસ્તરામાં રેલવે ફાટક આવેલું છે. ફાટક ઉપરથી રોજિંદા અસંખ્ય વાહનો અને રાહદારીઓ પસાર થાય છે. પછી તે રોજિંદા કામકાજ હોય કે, પછી અંતિમ સંસ્કાર માટેની કુચ, લોકોને આ જ રેલવે ફાટકના માર્ગ ઉપરથી પસાર થવું પડે છે.
ગોધરા શહેરા ભાગોળ વિસ્તારમાં અંડર બ્રિજ માટે નાણાં ફળવાયા શહેરના તમામ લોકોના આવન જાવન માટે રેલવે ફાટકનો આ માર્ગ સરળ છે અને સમયની બચત પણ થાય છે, પરંતુ શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા અને મુંબઈ દિલ્હી વચ્ચે દોડતી ટ્રેનોની સંખ્યામાં સતત વધારાને કારણે મોટા ભાગે રેલવે ફાટક બંધ રહે છે.
ટ્રેનોની સતત અવરજવર વચ્ચે લાંબા સમય સુધી ફાટક બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે. ફાટક ઉપર વાહનોના જમાવડાને કારણે વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે. ત્યારે રેલવે ફાટક સમસ્યાની સૌથી મોટી અસર આ વિસ્તાના નાના મોટા દુકાનદારો અને વેપારીઓન ધંધા રોજગાર ઉપર પડી રહી છે.
રેલવે ફાટકની વર્ષો જૂની સમસ્યાના નિવારણ અને લોકોની સુખાકારી માટે સરકાર દ્વારા અંડરબ્રિજ બનાવવા માટે ગોધરા નગર પાલિકાને ભૂતકાળમાં બે વાર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. પરંતુ પાલિકા દ્વારા વહિવટી કારણો આગળ ધરી અંડરબ્રિજ માટે ફાળવામાં આવેલ ગ્રાન્ટ હેતુંમાં ફેરફાર કરી અન્ય સ્થળે ઉપયોગ કરવામાં આવી હતી. પાલિકાના મનસુફી નિર્ણયના કારણે નગરના લોકોને ફરી વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં ફરી ભુતકાળનું પુનરાવર્તન ન થાય તેવી ચિંતા નગરના લોકોને ફરી સતાવી રહી છે. હાલ સરકાર દ્વારા ફાળવવામાં આવેલા અંડર બ્રિજ નિર્માણ માટેની ગ્રાન્ટનો ઉપયોગ માત્ર અંડરબ્રિજ નિર્માણ માટે કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.
આ તરફ વહીવટી મંજૂરી બાદ રેલવે આર એન બી તેમજ ગોધરા નગર પાલિકા એક બીજા સાથે સંકલન કરી અંડરબ્રિજનું નિર્માણ કાર્ય ઝડપી શરૂ કરવા માટેના પ્રયાસ હાથ ધરવા નગર પાલિકા સત્તાધીશો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે.