પંચમહાલ : ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા અને સમગ્ર વિશ્વમાં મહામારીરૂપે પ્રસરેલા નોવેલ કોરોના વાઇરસના ફેલાવાને દેશભરમાં પ્રસરતો અટકાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 25 માર્ચથી 14 એપ્રિલ સુધી 21 દિવસ માટે સમગ્ર ભારત દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે.
ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા 20 હજાર જેટલી રાહત કિટો ગરીબોને અપાઇ - ધારાસભ્ય જેઠા ભરવાડ
હાલ લોકડાઉનની સ્થિતિ છે, ત્યારે હાલ ગ્રામ્ય વિસ્તારમાં વસતા ગરીબ પરિવારો માટે આ દિવસો કપરા સાબિત થઇ રહ્યા છે. જોકે રાજ્ય સરકાર દ્વારા અનાજ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે, પરંતુ પંચમહાલના ધારાસભ્ય જેઠા ભરવાડ દ્વારા પણ ગરીબ પરિવારો માટે રાશનની કીટ વિતરણ કરવામાં આવી રહી છે.
જે બાદ ગરીબ અને જરૂરિયાત મંદ પરિવારો કે જેઓ રોજેરોજ મજુરી કરી પોતાના કુટુંબનું ગુજરાન ચલાવતા હોય છે, આવા પરિવારોના માથે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી. આવા પરિવારો તેમજ રાશન કાર્ડ ધરાવતા પરિવારોને સરકાર દ્વારા નિઃશુલ્ક અનાજ આપવામાં આવી રહ્યું છે, પરંતુ તેની સાથે સાથે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદે પંચમહાલના શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ આવ્યા છે. તેઓએ ગરીબ પરિવારો માટે ઘઉંનો લોટ, ચોખા, બટાકા, તેલ, મીઠું, મરચું, મસાલાની 20 હજાર રાશનકીટો તૈયાર કરાવીને શહેરા મતવિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના લોકોને ઘેર-ઘેર પહોંચાડવાનું કાર્ય શરૂ કર્યું છે.
આવા કપરા સમયમાં શહેરા મતવિસ્તારના જરૂરિયાતમંદ લોકોના ઘેર-ઘેર આ કીટ પહોંચાડવાનું કાર્ય શરૂ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશિર્વાદરૂપ બન્યું છે. અત્યાર સુધીમાં ધારાસભ્ય દ્વારા તૈયાર કરવામાં આવેલી 5 હજાર જેટલી રાશન કીટોનું વિતરણ કરી દેવામાં આવ્યું છે.