- ગોધરા ખાતે જિલ્લા કક્ષાના 75 મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યાં ઉપસ્થિતિ
- નીતિન પટેલે ત્રિરંગો ફરકાવી સગર્વ સલામી આપી
પંચમહાલ: ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દેશનાં 75 મા સ્વાતંત્ર્ય પર્વની નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં જોમ-ઉમંગ સહિત રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાની ઉજવણીમાં સંબોધન કરતાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવો રાજ્ય સરકાર સુસજ્જ છે. અત્યારે રાજ્યમાં સરકારી હોસ્પિટલો સહિત અનેક જગ્યાએ નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપી 400 મેટ્રીક ટન નવા ઓક્સિજન માટેની ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત 2000 નવા વેન્ટિલેટરની પણ ખરીદી તાજેતરમાં કરવામાં આવી છે. તેનો જથ્થો આવવાની પણ શરૂઆત થઇ ગઇ છે. જેનાથી કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા ગુજરાત વધુ સજ્જ થયું છે.
પંચમહાલમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનીની ઉપસ્થિતીમાં સ્વતંત્રતા દિવસની કરાઈ ઉજવણી કોરોનાનો અસરકારક સામનો કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે: નીતિન પટેલ
નીતિન પટેલે ઉમેર્યું કે, કોરોનાની ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરી શકાય એ માટે રાજ્ય સરકાર દ્વારા નવા મેડીકલ સ્ટાફની પણ મોટા પાયે ભરતી કરવામાં આવી રહી છે. હમણાં જ 3000 નર્સોની ભરતી કરવામાં આવી છે અને તેઓ હાજર પણ થઇ ગયાં છે. કોરોનાનો અસરકારક સામનો કરવા, વધુને વધુ સજ્જ થવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કોરોના સામે વેક્સિન એ અમોઘ હથિયાર છે. રાજ્યમાં પોણા ચાર કરોડ લોકો વેક્સિન લઇ ચૂક્યા છે અને જલ્દી જ આ આંકડો ચાર કરોડે પહોંચશે. રાજ્ય સરકાર કોરોના સામે લોકોને સુરક્ષિત કરવા પ્રતિબદ્ધ છે. રોજનાં 3 થી 6 લાખ લોકોને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર કોરોના સામે મેડીકલ સ્ટાફ, હોસ્પિટલોમાં પથારીઓ, વેન્ટીલેટર સહિતનાં સાધનો, ઓક્સિજન એમ તમામ મોરચે સજ્જ છે.
વડાપ્રધાાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગુજરાતની જનતાને હમેશા પડખે રહી છે: નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગુજરાતની જનતાને હમેશા પડખે રહી છે. ઓક્સિજનથી લઇને કોઇપણ પ્રકારની જરૂરિયાત માટે તુંરત જ મદદ પહોંચતી કરી છે. રાજ્ય સરકારે પણ કોરોનાકાળમાં દિવસરાત એક કર્યા હતા અને તેમાં વ્યાપક જનસહયોગ પણ સાંપડયો હતો. અત્યારે ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા આંગણીના વેઢે ગણાય એટલી રહી ગઇ છે. રાજ્ય સરકારે ખેડૂતોના કરોડો રૂપિયાના અનાજની ખરીદી કરીને ખેડૂતોના હિતોને સવોચ્ચ પ્રાથમિકતા આપી છે. મા નર્મદાના પાણી ગુજરાતની 4 કરોડની જનતા સુધી પહોંચ્યા છે. આ વર્ષે વરસાદ ખેચાવાની સ્થિતિમાં પણ ખેડૂતો માટે સિંચાઇના પાણી આપવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની કરોડો હેક્ટરની જમીનને નર્મદાના નીરથી સિંચાઇનું પાણી મળ્યું છે. રાજ્ય સરકાર મુખ્યપ્રધાન વિજય રૂપાણીનાં યશસ્વી નેતૃત્વમાં શિક્ષણ, આરોગ્ય, પાણી-સિંચાઇ, માળખાગત સુવિધાઓ એમ દરેક ક્ષેત્રે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોતમ તરફ લઇ જઇ રહ્યાં છે.
દેશમાં કોઇ પણ જાતિ, ધર્મ કે રાજ્યના ભેદભાવ વિના સૌને વિકાસની સમાન તક અને લાભ વડાપ્રધાાને ઉપલબ્દ્ધ કરાવ્યા છે: નીતિન પટેલ
નીતિન પટેલના નિવેદન પ્રમાણે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો થકી રાજ્યને સુરક્ષા-સલામતી-શાંતિ તરફ અગ્રેસર કર્યું છે. ભોળી-માસુમ દિકરીઓના છેતરપીડીંથી ધર્માતરણ રોકવા લવજેહાદનો કાયદો, ગુંડાગુરીથી મુક્ત કરવા ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ એક્ટ જેવા મહત્વના કાયદાઓ રાજ્ય સરકારે લાગુ કરીને રાજ્યની સુરક્ષા-સલામતીને નવો આયામ આપ્યો છે. કોરોનાકાળમાં સમૃદ્ધ અને ટેકનોલોજીમાં આગળ પડતાં દેશો પણ ઘુંટણીયે પડી ગયા હતા, ત્યારે વડાપ્રધાાન નરેન્દ્ર મોદીએ લોકડાઉન અને અનલોકના તબક્કાઓમાં સચોટ નિર્ણયો થકી દેશની પ્રગતિને વેગવાન રાખી, વિશ્વમાં કોઇ દેશના નેતાએ ન કર્યા હોય તેવા ઐતિહાસિક નિર્ણયો થકી જનહિતને હંમેશા પ્રાધાન્ય આપ્યું છે. તેમણે કોરોનાકાળમાં ગરીબ લોકોને વિનામૂલ્યે અનાજ આપવાનો નિર્ણય લીધો હતો અને તાજેતરમાં પણ દેશના કરોડો લોકોને દિવાળી સુધી વિનામૂલ્યે પાંચ કિલો અનાજ આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં સૌ નાગરિકોને વિનામૂલ્યે વેક્સિનના ઐતિહાસિક નિર્ણય થકી નાગરિકોને કોરોના સામે સુરક્ષા બક્ષી છે. દેશમાં કોઇ પણ જાતિ, ધર્મ કે રાજ્યના ભેદભાવ વિના સૌને વિકાસની સમાન તક અને લાભ વડાપ્રધાાને ઉપલબ્દ્ધ કરાવ્યા છે.
આપણો દેશ માનવતા ધર્મને સવોચ્ચ ગણે છે: નીતિન પટેલ
નાયબ મુખ્યપ્રધાને આઝાદીના લડવૈયાઓ, અનેક નામી અનામી શહીદ નરબંકાઓને યાદ કરતાં જણાવ્યું કે, નવી પેઢીએ અંગ્રેજો સામેની આઝાદીની લડતથી વાકેફ થવું જોઇએ. આ આઝાદી આપણે અનેક લોકોની શહિદી થકી મળી છે. આઝાદી વખતે વિભાજનની ભયંકર પરિસ્થિતિ અને લોકોની થયેલી ખુંવારીને ન ભૂલવી જોઇએ. અંગ્રેજોએ ભાગલાવાદી નીતિ અપનાવી હતી. આપણે એ વાત યાદ રાખીને જાતિ-ધર્મ-પ્રદેશ દરેકથી ઉપર રાષ્ટ્રને ગણવું જોઇએ અને એ વાત હંમેશા યાદ રાખવી જોઇએ કે જે લોકો પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે રાષ્ટ્રનો નાશ થાય છે. આપણો દેશ માનવતા ધર્મને સવોચ્ચ ગણે છે. આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકંમની ભાવનાથી સિંચિત છે. આઝાદીના ૭૫ માં વર્ષે દુનયાના સૌથી મોટા લોકશાહી દેશના અમૃત મહોત્સવ આખા દેશમાં કોરોનાની સાવચેતી સાથે ભવ્ય ઉજવણી કરવાનો વડાપ્રધાાને યોગ્ય નિર્ણય લીધો છે.
આ પ્રસંગે અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
નીતિન પટેલે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનોએ હવામાં ગોળીબાર કરીને હર્ષધ્વનિ કર્યો હતો. જે બાદ રાષ્ટ્રગાનની ધુન વગાડવામાં આવી હતી. જ્યારે ઉપસ્થિત નાગરિકો રાષ્ટ્રગાનનાં સન્માનમાં ગૌરવભેર ઉભા રહ્યાં હતા. 75 મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે નીતિન પટેલે પશંસનીય કામગીરી કરનારા પોલીસ અધિકારીઓ-જવાનો તેમજ કોરોના વોરિર્યસનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું. આ ઉપરાંત કલેક્ટરને જિલ્લાના વિકાસકાર્યો માટે રૂપિયા 25 લાખનો ચેક પણ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ- કામિની સોલંકી, ધારાસભ્ય- નિમિષા સુથાર, સુમન ચૌહાણ, ધારાસભ્ય- સી.કે.રાઉલ, ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, પૂર્વ સાંસદ પ્રભાતસિંહ અને ગોપાલસિંહ સોલંકી, રેન્જ IG એમ.એસ.ભરાડા, પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર મહિપાલસિંહ સહિતનાં પદાધિકારીઓ-અધિકારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.