- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગોધરાની મુલાકાત લીધી
- જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજી
- મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત લીધી મુલાકાત
પંચમહાલઃ સમગ્ર રાજ્યમાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો તારીખ 1 મે થી મુખ્યપ્રધાન દ્વારા પ્રારંભ કરાવ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લા પ્રભારી અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા મંગળવારના રોજ પંચમહાલ જિલ્લાના ગોધરાની મુલાકાત લીધી હતી. ગૃહ રાજ્ય પ્રધાને ગોધરા ખાતે આવી રાજકીય સભ્યો, પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ત્યારબાદ ગોધરા શહેરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલ વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી. મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને સફળ બનાવવા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પાલિકાના પ્રમુખ તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો અને સરપંચ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અત્યારે 1 લાખથી વધુ બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી
જિલ્લામાં કોવિડ-19ના દર્દીઓની હાલતની સ્થિતિ, મરણ પામેલા દર્દીઓના ડેડબોડીના નિકાલની વ્યવસ્થા, જિલ્લામાં સ્મશાન અને કબ્રસ્તાનની પરિસ્થિતિની ચર્ચા, આરોગ્ય કેન્દ્રોમાં વેલટ્રેન્ડ સ્ટાફ અને ગ્રામ્ય કક્ષામાં રસીકરણ સંપૂર્ણ થાય તેના પર ભાર મુક્યો હતો. આ મુલાકાત દરમિયાન રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્યમાં સંક્રમણ ઘટે અને સંક્રમિત થયેલાઓની સારવાર ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. 15 માર્ચના રોજ રાજ્યમાં 31000 બેડની ઉપલબ્ધતા હતી. જે વધારીને આજે 1 લાખ વધુ અદ્યતન તબીબી સુવિધા સાથેની બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આજે 150 મેટ્રિક ટન જેટલો ઓક્સિજન રાજ્યની જનતા માટે ઉપલબ્ધ છે. આયુર્વેદિક અને હોમીઓપેથીક દવાઓ પર પણ ભાર મુક્યો હતો.