ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરાની ધરમપુરી શાળાને મર્જ થવાની જાણ થતા વાલીઓનો વિરોધ

રાજ્યમાં ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને મર્જ કરી નજીકના અંતરની શાળામાં સમાવિષ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જેનો વિરોધ વાલીઓ કરી રહ્યા છે ત્યારે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ધરમપુરી પ્રાથમિક શાળાને મર્જ કરવાના વિરોધમાં આજરોજ વાલીઓ દ્વારા બાળકોને શાળામાંથી ઘરે લઈ જઈ અચોક્કસ મુદત માટે શિક્ષણ કાર્યથી અળગા રાખવાનો નિર્ણય કરી સુત્રોચાર કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો .

dharmapuri school will merge
ગોધરાની ધરમપુરી શાળા

By

Published : Feb 7, 2020, 12:52 PM IST

પંચમહાલઃ જિલ્લાના ગોધરા તાલુકાના ધરમપુરી ગામની પ્રાથમિક શાળામાં 36 બાળકો અભ્યાસ કરે છે. આ શાળા છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોઈ આજથી અંદાજિત એક વર્ષ પહેલા ડિસમેન્ટલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ધરમપુરી શાળાના ઓરડા ગમે ત્યારે પડી જાય તેવી પરિસ્થિતિમાં હોઈ શાળાની બહાર પ્રવેશ બંધીનું બોર્ડ પણ લગાવવા મા આવ્યું છે. શાળાના વર્ગ ખંડોની જર્જરિત હાલતને લઈ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસરના પહોંચે તે હેતુથી ધરમપુરીથી એક કિલોમીટરના અંતરે આવેલ હરકુંડી શાળામાં અભ્યાસ શરુ કરાવવામાં આવ્યો હતો.

ગોધરાની ધરમપુરી શાળાને મર્જ થવાની જાણ થતા વાલીઓનો વિરોધ

છેલ્લા એક વર્ષ ઉપરાંતના સમયથી ધરમપુરી શાળાના વિદ્યાર્થીઓ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે અભ્યાસ કરવા માટે હરકુંડી શાળામાં આવતા હતા. આ એક કિલોમીટરનું અંતર બાળકો ચાલીને કાપતા હતા અને તેમાં ભારે તકલીફ પડતી હોવાનું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા હતા. સાથે જ શિક્ષણ વિભાગ દ્વારા ટ્રાન્સપોર્ટેશનની પણ કોઈ વ્યવસ્થા નહિ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ અંતર કાપવામાં વિદ્યાર્થીઓને સૌથી વધુ અકસ્માતનો ડર સતાવી રહ્યો છે.

વધુમાં ચોમાસામાં બંને શાળા વચ્ચેનું એક કિલોમીટર અંતર ખૂબ જ કપરું બની જતું હોય છે. જેથી વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. આટલી તકલીફો વચ્ચે વિદ્યાર્થીઓએ 1 વર્ષ અભ્યાસ તો કર્યો જ છે. પરંતુ જે તે સમયે ધરમપુરી પ્રાથમિક શાળા ડિસમેન્ટલ કરી હરકુંડી શાળા ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા થોડા જ મહિનાઓમાં જર્જરિત શાળાને તોડી નવા ઓરડાઓનું નિર્માણ કરવામાં આવશે તેવી વાલીઓને બાંહેધરી આપવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે આ બંને શાળાઓને મર્જ કરવાનો જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે ત્યારે વાલીઓ હવે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે.

ધરમ પુરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ આજરોજ હરકુંડી શાળામા આવી પોતાના બાળકોને કલાસ રૂમની બહાર કાઢી ઘરે લઈ ગયા હતા. તે પહેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ હરકુંડી શાળા બહાર જ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વાલીઓની માગણી છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ બાંહેધરી પ્રમાણે ધરમપુરી શાળાને વહેલી તકે ડિસમેન્ટલ કરી નવા ઓરડાઓનું નિર્માણ કરી ગામમાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડવામાં આવે.

શાળા મર્જરના વિરોધ વાલીઓના ઉગ્ર વિરોધ બાબતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે જણાવવામાં આવ્યું કે, હાલ તાત્કાલિક ધોરણે કોઈ પણ શાળા મર્જ કરવામાં આવનાર નથી. હાલ શાળાઓ મર્જ કરવા અંગે માત્ર રિપોર્ટ કરવામાં આવ્યો છે અને ધરમપુરી શાળાની વાત છે ત્યાં સુધી છેલ્લા એક વર્ષ જેટલા સમયથી આ શાળા જર્જરિત હાલતમાં હોઈ ડિસમેન્ટલ કરવા ની હોઈ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે એક કિલોમીટરના અંતરે આવેલી હરકુંડી શાળામાં 36 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે જાય છે. ધરમપુરી શાળાને મર્જ કરવાની હાલ કોઈ વાત નથી. માત્ર રિપોર્ટ કરવામા આવ્યો છે અને જો માપદંડ પ્રમાણે આ બંને શાળાઓના કિલોમીટર સેટ થશે તો ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવશે.

ધરમપુરી શાળાના વાલીઓ એક તરફ પોતાના બાળકોને શિક્ષણથી અળગા રાખી તેમના શિક્ષણને અસર પહોંચાડી રહ્યા છે તો બીજી તરફ શિક્ષણ વિભાગ પણ સરકારી હુકમની રાહ જોઈ રહ્યું છે .બંને પક્ષોની તકરારમાં હાલ નુકસાન વિદ્યાર્થીઓને જ જઈ રહ્યું છે ત્યારે હવે જોવું રહ્યું કે, ધરમપૂરી શાળાના બાળકોના ભણતરની ચિંતા કોણ કરે છે.

ABOUT THE AUTHOR

...view details