પંચમહાલમાં સસ્તું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ આવ્યું સામે
પંચમહાલ: કાલોલ ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી જરૂરિયાત મંદ લોકોને પૂરું પાડવામાં આવતું અનાજના જથ્થાની ઘટ ઓડિટ તપાસ દરમિયાન બહાર આવતા સમગ્ર મામલામાં ગોડાઉન મેનેજરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. વધુમાં મામલાની તપાસ ગાંધીનગરથી ઉચ્ચકક્ષા ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં મગફળી, તુવેર કૌભાંડ બાદ હવે મધ્ય ગુજરાતના પંચમહાલના કાલોલ નગરમાં પૂરવઠા વિભાગના ગોડાઉનમાંથી ઘઉં ચોખાના અનાજના જથ્થાને બારોબાર સગેવગે કરી દેવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કાલોલ નગરમાં આવેલા સરકારી પુરવઠા વિભાગના અનાજના ગોડાઉનમાં ઓડીટ હાથ ધરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન ઘઉંના ચોખા ની મળીને 16000 જેટલી અનાજની બોરીઓની ઘટ આવતા આ મામલે ગોડાઉન મેનેજર એસ.કે વસાવાને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ સસ્પેન્ડ કરવામાં આવેલા ગોડાઉન મેનેજર એસ.કે. વસાવાએ મહેન્દ્ર નામના વ્યક્તિ સામે આ આક્ષેપ લગાવ્યો છે.